રાજકોટ વધુને વધુ પ્રગતિ સાધે રહેવાલાયક અને માણવાલાયક શહેર બને તેવા દ્રષ્ટિકોણ સાથે બજેટ તૈયાર કરવામાં આવ્યું છે: મ્યુનિ.કમિશનર
અબતક-રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાનું વર્ષ-2021-22નું રૂા.1885.18 કરોડનું રિવાઇઝ બજેટ અને વર્ષ-2022-23નું 2334.94 કરોડનું અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા બજેટમાં રાજકોટવાસીઓ પર 15 કરોડનો વેરા બોજ ઝીંકવામાં આવ્યો છે. પાણી વેરો, મિલકત વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે વાહન વેરાના દરમાં વધારો કરવા સૂચવાયો છે. બજેટમાં જૂના રાજકોટ સાથે મહાપાલિકાની હદમાં ભણેલા નવા વિસ્તારોના વિકાસ માટે પણ કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજથી જ બજેટનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.
મિલકત વેરો, વોટર ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનનો ચાર્જ યથાવત: અનેક નવા પ્રોજેકટની જાહેરાત: વર્ષ 2022-23નું રૂ.2334.94 કરોડનું બજેટ દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરતા મ્યુનીસિપલ કમિશનર અમિત અરોરા
આજે સવારે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ-2022-23નું રૂા.2334.94 કરોડનું બજેટ રજૂ કર્યા બાદ પત્રકાર પરિષદને સંબોધતા મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે કોઇપણ શહેર માટે વિકાસકામો માટે કાર્યક્ષમતાનું માપદંડ છે. શહેરનો વિકાસ સતત ચાલુ રહે અને રાજકોટએ રહેવા લાયક શહેર બની રહે તેવા આશરે સાથે આગામી નાણાંકીય વર્ષનું બજેટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં કેટલાંક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો મુકવામાં આવ્યા છે. બ્રિજ, પાણી પૂરવઠા, ડ્રેનેજ, સ્માર્ટ સિટી અંતર્ગત વિવિધ કામો ઉપરાંત હાઉસિંગ સહિતના કામો સમયબધ્ધ રીતે પુરા કરવા અને નવા ભણેલા વિસ્તારોનો સમતોલ વિકાસ થાય તે પડકારને ધ્યાનમાં રાખી મહાપાલિકા આગળ વધી રહી છે. આગામી નાણાંકીય વર્ષ-2022-23ના બજેટમાં શહેર જુના વિસ્તારોની સાથોસાથ નવા વિસ્તારોમાં પણ વિકાસનો લાભ પહોંચતા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નવા ભણેલા વિસ્તારોમાં પાણી પૂરવઠા સહિત વિકાસકામોને પ્રાધાન્ય આપવામાં આવશે. ડ્રેનેજ સહિતના અન્ય વિકાસકામો ક્રમક હાથ ધરવામાં આવશે. રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે જે પ્રોજેક્ટ હાથ પર લેવામાં આવે તે સમયસર પૂર્ણ થાય તે માટે પણ આયોજનબધ્ધ કામગીરી કરવામાં આવી રહી છે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે વર્ષ-2015માં કોઠારીયા અને વાવડી, વર્ષ-2020માં મોટામવા, મુંજકા, ઘંટેશ્ર્વર, માધાપર અને મનહરપુર-1 રાજકોટમાં ભણ્યા છે. જેના કારણે શહેરનું ક્ષેત્રફળ વધીને 161.86 ચોરસ મીટર થયું છે. વસ્તી અને વિસ્તારમાં થયેલા વધારાના કારણે મહાપાલિકા પર જવાબદારી આવી છે. રાજકોટ માત્ર ભારત જ નહીં પણ આંતરરાષ્ટ્રીય નકશામાં પણ પોતાની એક આગવી ઓળખ ઉભું કરી રહ્યું છે. લોકોની અપેક્ષામાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે. આવામાં મહાપાલિકાની ભૂમિકા વધુ વ્યાપક બની રહી છે. તમામ પડકારોને પહોંચવી વળવાના વિશ્ર્વાસ સાથે આજે વર્ષ-2022-23નું રૂા.2334.94 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ ઝડપભેર વધુને વધુ પ્રગતિ સાથે રહેવા લાયક અને માણવા લાયક શહેર બને તેવો દ્રષ્ટિકોણ રાખવામાં આવ્યો છે. રેવન્યુ બજેટ રૂા.8195.72 લાખ, કેપિટલ બજેટ રૂા.143052.26 લાખ અને અનામત બજેટ રૂા.8485.62 લાખનું છે. બજેટમાં મિલકત વેરો, વોટર ચાર્જ, ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જમાં કોઇપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે વાહન વેરામાં અલગ-અલગ સ્લેબમાં વધારો કરી 15 કરોડનો કર બોજ લાદવામાં આવ્યો છે.
વર્ષ 2021-22નાઅંદાજ પત્રમાં 406 કરોડનું ગાબડુ: નવા ભળેલા ગામોના વિકાસ માટે માતબર રકમની ફાળવણી: બજેટનો અભ્યાસ શરૂ કરતી સ્ટેન્ડીંગ
હાલ મહાપાલિકા દ્વારા 1 લાખ સુધીની કિંમત ધરાવતા વાહનો પર 1 ટકા લેખે વેરો વસૂલ કરવામાં આવે છે અને 1 લાખથી વધુની કિંમતના વાહનો પર 2 ટકા લેખે વસૂલાત કરવામાં આવે છે. જેમાં નવા નાણાંકીય વર્ષથી સ્કૂટર, મોટર સાયકલ, દ્વીચક્રીય વાહનો, ઓટો રિક્ષા, લોડીંગ વાહનો, ફોર વ્હીલ, ટેમ્પો, મિની ટ્રક પર એક્સ શો-રૂમ પ્રાઇઝના 2.50 ટકા લેખે, મોટરકાર તથા જીપ કે જેની કિંમત રૂા.3.99 લાખ સુધીની કિંમતના વાહનો પર એક્સ-શોરૂમ પ્રાઇઝ પર 2 ટકા લેખે, ચાર થી આઠ લાખ સુધીના વાહન પર 2.50 ટકા લેખે, 8 થી 15 લાખ સુધીના વાહનો પર 2.75 ટકા લેખે, 15 થી 25 લાખ સુધીના કિંમતના વાહન પર 3.50 ટકા લેખે, 25 થી 50 લાખ સુધીના વાહનો પર 4 ટકા લેખે, 50 થી વધુની કિંમતના તમામ વાહનો પર 5 ટકા લેખે વાહન વેરો વસૂલવાનું સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે મેટાડોર, મિની બસ, ટ્રક અને મોટી બસ પર એક્સશો-રૂમ 2 ટકા લેખે વેરો વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી છે. જેનાથી આગામી નાણાંકીય વર્ષમાં 15 કરોડની વધારાની આવક ઉભી થશે. હાલ ઇલેક્ટ્રીક વાહનો કરમુક્ત છે. હવેથી તેને કર માફી ગણી તે ખર્ચમાં 15માં નાણાંપંચના ક્લીન એર કમ્પોન્ટ ખાતે ઉધારવામાં આવશે.
તેઓએ ઉમેર્યું હતું કે નવા બજેટમાં નવા બગીચા, બાલ ક્રિડાંગણ, સિનીયર સીટીઝન પાર્ક, ઓક્સિઝન પાર્ક, નવા આરોગ્ય કેન્દ્ર, પે એન્ડ યુઝ ટોયલેટ, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ડીઆઇ પાઇપલાઇન નેટવર્ક, રસ્તા કામ, લોજીસ્ટીક કોરીડોર ડેવલપમેન્ટ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજથી જ બજેટનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. આવતા સપ્તાહે ખડી સમિતિ દ્વારા બજેટમાં નવા રંગરૂપ જોડી આખરી મંજૂરી આપી દેવામાં આવશે.