નળજોડાણ નહીં હોય તેને પણ વોટરચાર્જ પેટે રૂ.૮૪૦ ચુકવવા પડશે: વાહન વેરાનો દર ૧.૭૫ થી ૪ ટકા સુધી કરાયો: ડ્રેનેજ ટેકસ અને કન્ઝર્વન્સી ટેકસનો નવો બોજો: અનેક યોજનાઓનો સમાવેશ
રાજકોટ મહાનગરપાલિકાના વર્ષ ૨૦૧૮-૧૯નું રૂ.૧૩૨૪.૨૯ કરોડનું રીવાઈઝડ બજેટ અને વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ.૨૦૫૭.૪૨ કરોડનું અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજુ કરવામાં આવ્યું છે. નવા અંદાજપત્રમાં રાજકોટવાસીઓ પર રૂ.૧૬.૫૦ કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. નળજોડાણ નહીં હોય તેવા લોકોએ પણ સરકારી પાણીનો ઉપયોગ કરવા સબબ વોટર ચાર્જ પેટે વર્ષે મીનીમમ રૂ.૮૪૦ ચુકવવા પડશે. બજેટમાં વાહનવેરાના દરમાં વધારો કરવામાં આવ્યો છે અને ડ્રેનેજ ટેકસ તથા કન્ઝર્વન્સી ટેકસના નામે નવા કરબોજ લાદવામાં આવ્યો છે. અનેકવિધ યોજનાઓનો પણ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજુ કર્યા બાદ પત્રકારોને સંબોધતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું છે કે, રાજકોટ સ્માર્ટ સિટી તરીકે વિકાસ અને પ્રગતિના પંથે આગળ ધપવા લાગ્યું છે ત્યારે બજેટમાં ૫-એસ સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે જેમાં સેઈફ એન્ડ સિકયોર, સ્માર્ટ સસ્ટેનેબલ, સ્ટાન્ડર્ડ રાઈઝડ અને સેન્સેટીવીટીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવા વર્ષના બજેટનું કદ રૂ. ૨૦૫૭.૪૨ કરોડ છે જેમાં રૂ.૬૯૮.૨૪ કરોડનું રેવન્યુ બજેટ, ૧૨૭૩.૭૩ કરોડનું રેવન્યુ બજેટ અને ૮૫.૪૪ કરોડનું અનામત બજેટ રાખવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૮-૧૯નું રીવાઈઝડ બજેટ રૂ.૧૩૨૪.૨૯ કરોડ આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે વેરા પેટે રૂ.૨૪૬ કરોડની આવક થવાનો અંદાજ છે. આગામી નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂ.૨૬૦ કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.
નવા નાણાકીય વર્ષમાં કાર્પેટ એરિયાના દર યથાવત રાખવાની દરખાસ્ત કરવામાં આવી છે. જયારે વાહન વેરામાં વધારો કરવામાં આવ્યો છે. બિનયાત્રિક વાહનો પર આજીવન વાહન કરનો દર એક લાખ સુધીની કિંમતના વાહનો પર વાહનવેરો એકસ-શોરૂમ કિંમતના ૧.૭૫ ટકા, એક લાખથી લઈ ત્રણ લાખ સુધીના વાહનો પર વાહનવેરાનો દર એકસ-શોરૂમ કિંમતના ૨.૭૫ ટકા, યાત્રિક વાહનો જેની કિંમત ૩ લાખથી લઈ ૫ લાખ સુધી છે તેના પર એકસ-શોરૂમ કિંમતના ૩ ટકા, ૫ થી ૧૦ લાખની કિંમતના વાહનો પર વેરાનો દર એકસ-શોરૂમની કિંમતના ૩.૨૫ ટકા, ૧૦ લાખથી લઈ ૨૫ લાખ સુધીની કિંમતના વાહનો પર વેરાનો દર એકસ-શોરૂમની કિંમતના ૩.૫૦ ટકા અને ૨૫ લાખથી વધુની કિંમતના વાહનો પર વેરાનો દર એકસ-શોરૂમ કિંમતના ૪ ટકા સુચવવામાં આવ્યો છે જેનાથી વર્ષે વધારાની દોઢ કરોડની આવક ઉભી થશે. દિવ્યાંગો માટેના વાહનોને વેરામાંથી ૧૦૦ ટકા મુકિત આપવામાં આવી છે. જયારે ઈલેકટ્રીક વાહનોને પણ વેરામાંથી ૧૦૦ ટકા મુકિત આપવામાં આવી છે.
વોટર ચાર્જમાં પણ વધારો કરવામાં આવ્યો નથી. પ્રામાણિકપણે વેરો ચુકવતા કરદાતાઓ પર બોજ ન આવે તે માટે વોટર ચાર્જ યથાવત રાખવામાં આવ્યો છે પરંતુ શહેરમાં ઘણા મિલકતધારકો નળ કનેકશન લેતા નથી ગ્રાઉન્ડ વોટર અથવા અન્ય નેચરલ સોર્સમાંથી પાણી મેળવે છે તેની માલિકી પણ સરકારની હોય બીપીએમસી એકટની કલમ ૧૪૧ કક અંતર્ગત સામાન્ય કરના ૧૦ ટકા લેખે વોટર ટેકસ સુચવવામાં આવ્યો છે જેનાથી વધારાની ૫ કરોડની આવક થશે. આ ઉપરાંત ગત વર્ષે કાર્પેટ એરિયા આધારીત વેરા પઘ્ધતિની અમલવારીથી ક્ધઝર્વન્શી ટેકસ, ફાયર ટેકસ, ડ્રેનેજ ટેકસ અને દિવાબતી ટેકસ રદ કરવામાં આવ્યો હતો હવે નવા નાણાકીય વર્ષથી ક્ધઝર્વન્સી ટેકસ દાખલ કરવાનું સુચવવામાં આવ્યું છે જે સામાન્ય કરના એક ટકા લેખે વસુલ કરવામાં આવશે જેનાથી વધારાની ૫ કરોડની નવી આવક ઉભી થશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, ભુગર્ભ ગટર વ્યવસ્થાપન માટે વર્ષે ૨૯.૧૪ કરોડનો ખર્ચ થાય છે જેની સામે આવક ખુબ જ મર્યાદિત છે માટે નવા નાણાકીય વર્ષથી સામાન્ય કરના ૧ ટકા લેખે ડ્રેનેજ ચાર્જ દાખલ કરવાનું સુચવવામાં આવ્યું છે. જેનાથી વાર્ષિક ૫ કરોડની નવી આવક ઉભી થશે. વર્ષ ૨૦૧૯-૨૦ના રૂ.૨૦૫૭.૪૨ કરોડના બજેટમાં રાજકોટવાસીઓ પર ૧૬.૫૦ કરોડનો કરબોજ લાદવામાં આવ્યો છે. ચાલુ સાલ લોકસભાની ચુંટણી યોજાવાની હોય શાસકો આ બોજ સ્વિકારશે કે ફગાવી દેશે તેના પર શહેરીજનોની મીટ મંડાઈ રહી છે.