રાજકોટ મહાનગરપાલિકામાં ગત 1રમી માર્ચના રોજ નવી બોડી કાર્યરત થઈ ગઈ છે. સામાન્ય રીતે નિયુક્તિના ર થી 3 દિવસમાં નવનિયુક્ત પદાધિકારીઓ મુખ્યમંત્રીની મુલાકાતે જતા હોય છે પરંતુ આ વખતે બજેટ અને પેટા સમિતિની નિયુક્તિની પ્રક્રિયાની વ્યસ્તતાના કારણે પદાધિકારીઓ સીએમની મુલાકાત લઈ શક્યા ન હતા. દરમિયાન ગઈકાલે સ્ટેન્ડિંગ કમીટી દ્વારા બજેટને બહાલી અપાયા બાદ આજે થોડી નવરાશ મળતા જ શહેર ભાજપના હોદ્દેદારો અને કોર્પોરેશનના નવનિયુક્ત અધિકારીઓ ગાંધીનગર ખાતે વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લેવા પહોંચી ગયા હતા. જેમાં મુખ્યમંત્રીએ પણ કોરોનાની સ્થિતિ અંગે પદાધિકારીઓ પાસેથી માહિતી મેળવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આજે સવારે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર ડો.પ્રદિપભાઈ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા અને પૂર્વ કોર્પોરેટર કશ્યપભાઈ શુકલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લેવા પહોંચી ગયા હતા.
તેઓ બપોરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળ્યા અને તેઓ સાથે ઔપચારિક વાતચીત પણ કરી હતી. શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવાના લઘુબંધુનું ગઈકાલે દુ:ખદ અવસાન થયું હોવાના કારણે આજે તેઓ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની મળવા જઈ શક્યા ન હતા. આ દરમિયાન હાલ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાના કારણે રાજકોટના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા અને અરવિંદભાઈ રૈયાણી પણ ગાંધીનગરમાં હોવાના કારણે તેઓ પણ મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે જોડાયા હતા.
તમામે પુષ્પગુચ્છ આપી મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું. ઔપચારિક વાતચીત દરમિયાન વિજયભાઈ રૂપાણીએ હાલ કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા કરી હોવાનું અને વેક્સિનેશનની કામગીરીને વધુ વેગવંતી બનાવવાની તાકીદ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.