મોટામવા, મુંજકા, માધાપર, ઘંટેશ્ર્વર અને મનહરપુરા વિસ્તારમાં પણ મિલકતોનું જીયો ટેગીંગ કરાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે એડવાન્સ ટેકસ ભરતા કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે વેરા વળતર યોજના જાહેર કરવામાં આવે છે. આ વર્ષે પણ બજેટમાં અરલીબર્ડ સ્કિમ હેઠળ વેરા વળતર યોજના જાહેર કરવામાં આવી છે. જેમાં એડવાન્સ ટેકસ ભરનાર કરદાતાઓને વેરામાં 10 ટકા અને મહિલાઓના નામે નોંધાયેલી મિલકતમાં 5 ટકા વિશેષ વળતર સાથે કુલ 15 ટકા વળતર આપવામાં આવશે. આ વર્ષે અત્યાર સુધીમાં 2.61 લાખ કરદાતાઓએ વેરો ભરપાઈ કરી દીધો છે. આગામી વર્ષમાં ટેકસનો ટાર્ગેટ 340 કરોડ અંદાજવામાં આવ્યો છે.
એડવાન્સ ટેકસ ભરતા પ્રામાણિક કરદાતાઓને પ્રોત્સાહન મળી રહે તે માટે આ વર્ષે પણ બજેટમાં અરલીબર્ડ સ્કિમ સુચવવામાં આવી છે. ચાલુ નાણાકિય વર્ષમાં વેરા વળતર યોજનાનો 2,25,300 આસામીઓએ લાભ લીધો હતો અને કોર્પોરેશનની તિજોરીમાં 130 કરોડ ઠાલવ્યા હતા. મિલકતોની આકારણી પારદર્શક અને ચોકસાઈપૂર્વક થાય. મિલકતની સંખ્યા અને વેરાની આવકનું સરળતાથી પૃથ્થકરણ થઈ શકે તે માટે શહેરની તમામ મિલકતોની સેટેલાઈટ ઈમેજ અર્થાત જીયો ટેગીંગ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં મહાપાલિકાની હદમાં ભળેલા મોટામવા, મુંજકા, માધાપર, મનહરપુરા અને ઘંટેશ્ર્વર વિસ્તારોમાં પણ મિલકતોનું જીયો ટેગીંગ કરી આકારણી કરવામાં આવશે. નવા વિસ્તારો ભળતા જે રીતે મહાપાલિકાની જવાબદારી વધી છે તે રીતે ટેકસની આવકમાં પણ વધારો થશે.