વર્તમાન ટર્મના અંતિમ બજેટમાં નળ, ગટર, સ્ટ્રીટ લાઈટ, પાણી જેવી પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય
મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા ડ્રાફટ બજેટના કદમાં રૂા.૧૨.૧૭ કરોડનો વધારો કરતી સ્ટેન્ડિંગ: બજેટને સંપૂર્ણ ચૂંટણીલક્ષી ટચ
રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૦-૨૧નું રૂા.૨૧૧૯.૯૮ કરોડના ડ્રાફટ બજેટમાં સ્ટેન્ડિંગ કમીટીએ રૂા.૧૨.૧૭ કરોડનો વધારો કરી આજે રૂા.૨૧૩૨.૧૫ કરોડના બજેટને બહાલી આપી હતી. વર્તમાન ટર્મના અંતિમ બજેટમાં નળ, ગટર, પાણી, સ્ટ્રીટ લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કરબોજ વિહોણા બજેટને સંપૂર્ણ ચૂંટણીલક્ષી ટચ આપવામાં આવ્યો છે. કોર્પોરેટરની ગ્રાન્ટમાં ૧૦ લાખથી વધારી ૧૫ લાખ કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમીટીએ રૂા.૨૧૩૨.૧૫ કરોડનું બજેટ મંજૂર કર્યા બાદ પત્રકાર પરિષદ સંબોધતા ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, બજેટમાં સ્માર્ટ ટચ અપાયો છે. સ્માર્ટમાં એસ એટલે સરળ અને સંવેદનશીલ, એમ એટલે માનવીય અભિગમ, એ એટલે અંત્યોદય સંકલ્પયુકત, આર એટલે રાજકોટનો સંતુલીત વિકાસ અને ટી એટલે ટેકના નવા બોજ વિહોણુ આપવામાં આવ્યું છે. મ્યુનિ.કમિશનરે રજૂ કરેલા રૂા.૨૧૧૯.૯૮ કરોડના બજેટમાં રૂા.૧૨.૧૭ કરોડનો વધારો કરવામાં આવ્યો છે અને ૨૧૩૨.૧૫ કરોડનું બજેટ આજે મંજૂર કરવામાં આવ્યું છે. વેરા વળતર યોજનામાં કમિશનરે ૮ ટકા અને ૪ ટકા વળતર આપવાનું સુચવ્યું હતું જે સ્ટેન્ડિંગે ૧૦ ટકા અને ૫ ટકા કર્યું છે.
રોડ રસ્તાના કામોના બજેટમાં ૩૫ કરોડનો વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેટરની ગ્રાન્ટ જે અત્યાર સુધી ૧૦ લાખ હતી તે વધારી ૧૫ લાખ કરવામાં આવી છે. બજેટમાં અલગ અલગ ૨૪ નવી યોજનાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટ માટે રૂા.૨૩.૧૯ કરોડની ફાળવણી કરાઈ છે. જમીન વેંચાણ અને ટેકસ વસુલાતના લક્ષ્યાંકમાં કોઈપણ જાતનો વધારો કરવામાં આવ્યો નથી. કોઠારીયા રોડ પર એક નવું ઓડિટોરીયમ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે ચાર વોર્ડમાં કોમ્યુનિટી હોલ, ત્રણેય ઝોનમાં મહિલાઓ માટે ખાસ ગાર્ડન, મહિલા સંચાલીત રવિવારી માર્કેટ, દિવાળી કાર્નિવલ, ફલાવર શો અને મેરેથોન માટે પણ માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
શહેરમાં ડીઆઈ પાઈપ લાઈન નેટવર્ક માટે ૨૮.૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે. આજી વિસ્તારમાં અર્બન ફોરેસ્ટ ડેવલોપમેન્ટ માટે ૧૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરના ત્રણેય ઝોનના મુખ્ય માર્ગ પર સ્પતરંગી એલઈડી લાઈટ, પારડી રોડ પર આવેલ રણછોડદાસજી હોલનું વાર્તાનુકુલીત અને નવીનીકરણ, મણીયાર હોલ અને જયુબીલી ગાર્ડનનું નવીનીકરણ, સીટી બસ અને બીઆરટીએસ સેવામાં પેસેન્જ પાસ સુવિધા, ત્રણેય ઝોનમાં ૧-૧ હાઈમાસ્ક લાઈટ ટાવર, વોર્ડ દીઠ એકશન પ્લાનની ગ્રાન્ટમાં બમણો વધારો, માસ ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં વધારો અને દરેકને ઘરનું ઘર મળી રહે તે માટે પણ બજેટમાં જોગવાઈ કરાઈ છે. ટૂંકમાં તમામ વર્ગના લોકોને આવરી લેતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.