શહેરના યાજ્ઞિક રોડ પર સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થયાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા અહિં વોંકળા પરના રોડના બાંધકામની મજબૂતાઇ ચકાસવા માટે સ્ટ્રક્ચર એન્જીનીંયરની નિમણુંક કરવામાં આવી હતી. ગઇકાલે આ અંગેનો રિપોર્ટ આવી ગયો છે. વોંકળા પરનો બાંધકામ નબળું નથી પરંતુ ત્રણ દાયકા જુનું હોય ભવિષ્યમાં કોઇ દુર્ઘટના ન બને તે માટે તેને તોડી નવું બાંધકામ કરવું જોઇએ. તેવો અભિપ્રાય આપવામાં આવ્યો છે. જો કે, આ અંગે પદાધિકારીઓ અગાઉ જ એવી ઘોષણા કરી ચુક્યા છે કે સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો રોડ તોડીને નવી ડિઝાઇન સાથે નવું બાંધકામ કરવામાં આવશે.
પત્રકારોની સાથેની વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા વોંકળા પર જે રોડ પસાર થાય છે તેના સ્લેબની મજબૂતાઇ ચકાસવા માટે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેનો તપાસ રિપોર્ટ ગઇકાલે આવી ગયો છે. સ્ટ્રક્ચર એન્જીનીંયર દ્વારા હાલ રિપોર્ટમાં નબળું બાંધકામ હોવાનું જણાવવામાં આવ્યું નથી. પરંતુ ત્રણ દાયકા જુનું બાંધકામ હોય જે વોંકળાનો ભાગ ધરાશાયી થયો છે. તેની સાથે જ આનું બાંધકામ કરવામાં આવ્યું હોય લોકોની સલામતી માટે નવેસરથી વોંકળા પર બાંધકામ કરવાની તાકીદ કરવામાં આવી છે.
વોંકળા પર બાંધકામ માટે મંજૂરી આપવામાં આવી છે તેની પણ સ્ટ્રક્ચર સ્ટેબિલીટી ચકાસવા તાકીદ
સર્વેશ્વર ચોકમાં વોંકળા પરના રોડનો રિપોર્ટ આવી ગયો, રોડ તોડી નવો બનાવાશે: ધરાશાયી થયેલા વોંકળાનો ભાગ ખૂલ્લો રખાશે
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે શહેરના તમામ વોંકળાઓ પરના બાંધકામનો સર્વે કરવા ટીપી શાખાને તાકીદ કરવામાં આવી છે. 14 વોંકળાઓ પર બાંધકામ કરવા માટે કોર્પોરેશન દ્વારા મંજૂરી આપવામાં આવી છે.
આ તમામ બાંધકામોનો સ્ટ્રક્ચર સ્ટેબિલીટી રિપોર્ટ રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવશે. બીજી તરફ વોંકળા પરના ગેરકાયદે બાંધકામો કોઇપણ પ્રકારની શેહશરમ રાખ્યા વિના તોડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો છે. વોંકળા પર હવે બાંધકામની પણ મંજૂરી આપવામાં આવશે નહિં. સર્વેશ્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સના ઓફિસધારકોને સ્ટ્રક્ચર એન્જીનીંયર પૂરા પાડવાની પણ કોર્પોરેશન દ્વારા તૈયારી દર્શાવવામાં આવી છે. જો રિપોર્ટમાં બિલ્ડીંગનું બાંધકામ જોખમી કે નબળું જણાશે તો તેનું રિપેરીંગ કરાવ્યા બાદ જ બિલ્ડીંગની ઓફિસો ખૂલ્લી રાખવા માટે મંજૂરી આપવામાં આવશે.