કોર્પોરેશન સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો સાથે મ્યુનિસિપલ કમિશનર અને માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ સમિતિના ચેરમેનની રીવ્યુ બેઠક
રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો સાથે મ્યુનિસિપલ કમિશનર અને માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ સમિતિના ચેરમેને રીવ્યુ મીટિંગ યોજી હતી. જેમાં પ્રેઝન્ટેશન દ્વારા શાળાની કામગીરી નિહાળી હતી તેમજ જે શાળામાં ધોરણ 10 અને ધોરણ 12નું પરિણામ નબળું છે તેવી શાળામાં માસિક પરીક્ષા લેવા અને પરિણામોમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવા અંગે શાળાના આચાર્યને સુચના આપી હતી.
આ રીવ્યુ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનરે આચાર્યો પાસેથી શાળા વાઈઝ ધોરણ 10 અને ધોરણ 12ના બાળકોને આપવામાં આવતા શિક્ષણ અંગે સમીક્ષા કરી હતી. વધુમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીને સન્માન કરી પ્રોત્સાહનના ભાગરૂપે ફોટા સાથે એલઈડીમાં પ્રસિધ્ધ કરવા સુચન કર્યું હતું. શહેરમાં 6 રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કાર્યરત છે જેમાં શ્રી પી. એન્ડ રી. વી. શેઠ હાઈસ્કુલ, શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલ, શ્રી મહારાણી લક્ષ્મીબાઈ ક્ધયા વિદ્યાલય, શ્રી મુરલીધર વિદ્યામંદિર-મવડી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન વીર સાવરકર વિદ્યાલય અને શ્રી એકનાથ રાનડે વિદ્યાલય શાળામાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીના બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બે જોડી ગણવેશ અને સ્કૂલ બેગ આપવામાં આવે છે અને બાળકોને પ્રવાસ પણ કરાવવામાં આવે છે.
આ રીવ્યુ મીટિંગમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરીયા, વાઈસ ચેરમેન જીતુભાઈ કાટોળીયા, સભ્ય મિતલબેન લાઠીયા, નાયબ મ્યુનિસિપલ કમિશનર ચેતન નંદાણી, સહાયક કમિશનર ડો. એન. કે. રામાનુજ તથા રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.