મામલતદારને દાખલા કાઢવાની સતા આપતા જ બહુમાળીના અધિકારીઓએ દાખલા નહિ નીકળેના બોર્ડ લટકાવી દીધા, અધિક કલેકટરે કામગીરી ચાલુ રાખવાનું કહ્યું છતાં પણ બોર્ડ ન ઉતર્યા
જિલ્લા કલેકટરે નોન ક્રિમિલિયર દાખલા કાઢવાની સતા મામલતદારને આપતા બહુમાળી કચેરીએ નોન ક્રિમિલિયર દાખલા કાઢવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે આ અંગે અધિક કલેકટરે તુરંત બહુમાળીના અધિકારીને કામગીરી ચાલુ રાખવાનું કહ્યું છતાં પણ બોર્ડ ન ઉતર્યા હોવાનું જાણવા મળ્યું છે.
બહુમાળી ખાતે નોન ક્રિમિલિયર દાખલા કાઢવાની કામગીરીમાં દરરોજ અરજદારોને હાલાકી પડી રહી હતી. ત્રણ-ત્રણ કલાક સુધી કતારમાં રહી આ દાખલાઓ કાઢવા માટે વારો આવતો હતો. તેવામાં આ મુશ્કેલી હતી તેનાથી પણ વધી છે. બહુમાળી કચેરીએ તો દાખલાની કામગીરી જ બંધ કરી દેવામાં આવી છે.
સુત્રોમાંથી મળતી વિગત અનુસાર બહુમાળી અધિકારીના અધિકારીઓએ આ દાખલાની પળોજણમાંથી છુટકારો મેળવવા માટે એક મંત્રીની ભલામણનો પણ સહારો લીધો હતો. જેને પગલે તેઓએ કલેકટરને રજુઆત કરતા કલેકટરે મામલતદારોને સતા સોંપવાનો પરિપત્ર જાહેર કર્યો હતો.
આ પરિપત્ર જાહેર થતા જ બહુમાળી કચેરીના અધિકારીઓને જાણે મેળ પડી ગયો એમ હોય કચેરીમાં દાખલાઓ નહિ કાઢવાના બોર્ડ લટકાવી દીધા હતા. જેને પગલે મોટી સંખ્યામાં અરજદારોને હાલાકી પડી હતી. જો કે આ મામલે ફરિયાદોનો ધોધ વહેતા અધિક જિલ્લા કલેકટરે બહુમાળીના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી હતી કે આપની કામગીરી હળવી થાય એ માટે મામલતદારોને સતા આપવામાં આવી છે. આપની કચેરીએ કામગીરી ચાલુ રાખવાની છે. જો કે અધિક કલેકટર તરફથી મળેલી સુચનાને પણ અધિકારીઓ ઘોળીને પી ગયા હોય એમ દાખલા ન કાઢવાના બોર્ડ હટાવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે મામલતદાર કચેરીમાં અગાઉથી જ કામગીરીનો બોજ વધુ છે. ત્યાં પણ અનેક દાખલાઓની કામગીરી ચાલુ છે. તેવામાં વધુ એક જટિલ દાખલાની કામગીરી મળી છે. હવે તે કામગીરી પણ સંપૂર્ણ મામલતદાર કચેરીઓ ઉપર નાખી દેવામાં આવે તો અરજદારોને દરરોજ હાલાકીનો સામનો કરવો પડે તેમ છે.