સાંસદ મોહનભાઈ કુંડારિયાએ કાલથી કામગીરી શરૂ કરી દેવા આપી સુચના: બે દિવસમાં ડ્રેનેજ લાઈનનું કામ શરૂ કરાશે
શહેરના ગ્રીનલેન્ડ ચોકડીથી ગોંડલ ચોકડી સુધી સર્વિસ રોડની મરામત તેમજ નેશનલ હાઈવે લગત જુદા જુદા પ્રશ્નો માટે મેયર ડો.પ્રદિપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા એ આજે સ્થળ વિઝીટ કરી હતી.
નેશનલ હાઈવેના જુદાજુદા પ્રશ્નોના અનુસંધાને આજે નેશનલ હાઈવેની સ્થળ મુલાકાત લેતા સાસંદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડે.કમિશ્નર આશિષકુમાર, એડી.સીટી. એન્જીનિયર અઢીયા અને નેશનલ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજય યાદવ, જનરલ મેનેજર અશોક રાવ, ક્ધસલ્ટન્ટ વિનય ગરગટી, વોર્ડ નં.18ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, ભારતીબેન પરસાણા, ભાજપ અગ્રણી નટુભાઈ વાઘેલા વગેરે ઉપસ્થિત રહેલ હતા.
ગ્રીનલેન્ડ ચોકડીથી ઢેબર રોડના છેડે ગોંડલ ચોકડી સુધીના સર્વિસ રોડ તાત્કાલિક મરામત કરવા તેમજ કોઠારીયા રોડથી રણુજા મંદિર જતા બ્રિજમાં પાણી ભરાય છે. તેના નિકાલની વ્યવસ્થા કરવા, આ ઉપરાંત કોઠારીયા રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિના નાલામાં વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી તાત્કાલિક હાથ ધરવા, વોર્ડ નં.15ના ડ્રેનેજ કામ માટે સર્વિસ રોડ પર લાઈન નાખવા માટે ઓથોરીટીને તાત્કાલિક મંજુરી આપવા તેમજ સર્વિસ રોડના છેડે આવેલ બોક્સ ગટર સફાઈ ન થવાના કારણે આજુબાજુના વિસ્તારમાં ગંદુ પાણી ભરાવવાની ફરિયાદ ખુબ આવેલ જેથી આ સર્વિસ રોડની તાત્કાલિક સફાઈ કરવા વગેરે કામોની ગંભીરતાપૂર્વક તમામ બાબતની ચર્ચા કરવામાં આવી હતી. કાલથી જ કામ શરૂ કરવા સાંસદ સહિતના પદાધિકારીઓએ તાકીદ કરી છે. આ તમામ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીએ ખાતરી આપેલ અને ડ્રેનેજની લાઈન માટે પણ બે દિવસમાં મંજુરી આપવામાં આવશે.