ભીમનગરથી મોટા મવાને જોડતો જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસેનો હયાત બ્રિજ પણ પહોળો થશે: રૂ.13 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત

રાજકોટ શહેરનો વિકાસ અને વિસ્તાર સતત વધી રહ્યો છે. ટ્રાફીકની સમસ્યા દિનપ્રતિદિન વિકરાળ બની રહી છે. જેના નિરાકરણ માટે કોર્પોરેશન દ્વારા અલગ-અલગ રોડને પહોળા કરવામાં આવી રહ્યા છે અને વિવિધ રાજમાર્ગો પર બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શહેરના વોર્ડ નં.11માં મોટા મવા સ્મશાન પાસે કાલાવડ રોડ પર આવેલો હયાત બ્રિજ 50 ફૂટ સુધી પહોળો કરવા અને ભીમનગરથી મોટા મવાને જોડતો જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસેનો હયાત બ્રિજ 18 મીટર સુધી પહોળો કરવા માટે 13 કરોડનો ખર્ચ મંજૂર કરવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે શહેરના વોર્ડ નં.11માં મોટા મવા સ્મશાન પાસે આવેલા બ્રિજની હયાત લંબાઇ હાલ 19.34 મીટરની છે. જે બ્રિજને બંને તરફ 8.30 મીટર સુધી પહોળો કરવામાં આવશે. આ ઉપરાંત ભીમનગરથી મોટા મવાને જોડતો જડ્ડુસ રેસ્ટોરન્ટ પાસેના હયાત બ્રિજની 7.50 મીટરની છે. જે 18 મીટર સુધી પહોળો કરવામાં આવશે. આ કામ માટે રૂ.9.63 કરોડનું એસ્ટીમેટ સાથે ટેન્ડર પ્રસિદ્વ કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ બે એજન્સીઓએ ઓફર આપી હતી. એલ-1 એવી બેકબોન ક્ધસ્ટ્રક્શન પ્રાઇવેટ લીમીટેડે આ કામ 35.50 ટકા વધુ ઓન સાથે કરવાની ઓફર આપી હતી. વાટાઘાંટાના અંતે 35 ટકા ઓન સાથે કામ કરી આપવાની સહમતી આપી હતી. બંને બ્રિજ પહોળા કરવા માટે 13 કરોડનો ખર્ચ મંજૂર કરવા માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

તેઓએ ઉમેર્યું હતું કે મોટા મવા સ્મશાન પાસેના હયાત બ્રિજની પહોળાઇમાં 50 ફૂટથી વધુનો વધારો થશે જ્યારે ભીમનગર બ્રિજની પહોળાઇ 35 ફૂટ વધશે જેનાથી વાહન ચાલકોને મોટી રાહત મળશે.

  • ચોમાસુ પૂરૂં થયા બાદ હવે વૃક્ષારોપણનો કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્ત
  • સદ્ભાવના વૃદ્વાશ્રમને સતત બીજા વર્ષે રાજકોટને હરિયાળું બનાવવા માટે સોંપાશે કામગીરી

સામાન્ય રીતે ચોમાસાના આરંભ પૂર્વે વૃક્ષારોપણ માટેનો કોન્ટ્રાક્ટ કરી દેવામાં આવતો હોય છે. પરંતુ મહાપાલિકા દ્વારા હવે જ્યારે ચોમાસાની સિઝન પૂર્ણતાના આરે છે ત્યારે જન સહયોગ દ્વારા ગો ગ્રીન યોજના હેઠળ વૃક્ષારોપણનો કોન્ટ્રાક્ટ આપવા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં અંદાજે 60 લાખ રૂપિયાનો ખર્ચ થશે. વૃક્ષારોપણ માટે અલગ-અલગ બે સંસ્થાઓની ઓફર આવી હતી. જેમાં માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ (સદભાવના વૃદ્વાશ્રમ)એ એક વૃક્ષનું વાવેતર કરી તેની ત્રણ વર્ષ સુધી નિભાવણી કરવા માટે રૂ.1850નો ભાવ આપ્યો હતો. દરમિયાન વાટાઘાટાના અંતે તેઓએ વૃક્ષારોપણ કરી તેની ત્રણ વર્ષ સુધી જાળવણી માટે 1800 વસૂલવા સહમતી આપી છે. સતત બીજા વર્ષે રાજકોટને હરિયાળું બનાવવાનો કોન્ટ્રાક્ટ સદ્ભાવના વૃદ્વાશ્રમને આપવામાં આવશે.

  • ઢોર ડબ્બા અને એનિમલ હોસ્ટેલનું સંચાલન સેવાકીય સંસ્થાઓને સોંપાશે

કોર્પોરેશન દ્વારા ઢોર ડબ્બા અને એનિમલ હોસ્ટેલનું સંચાલન સેવાકીય સંસ્થાઓને સોંપવા માટે આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે. રોણકી ખાતે આવેલી એનિમલ હોસ્ટેલનું સંચાલન કોઠારીયા (ટંકારા)ના ઓમ વચ્છરાજ ચેરિટેબલ ટ્રસ્ટને સોંપવામાં આવશે. જેને મોટા પશુદીઠ પ્રતિ દિવસ રૂ.28 અને નાના પશુદીઠ પ્રતિ દિવસ રૂ.14ની સહાય કરવામાં આવશે. જ્યારે 80 ફૂટ રોડ પર આવેલા ઢોર ડબ્બાનું સંચાલન રાજકોટની સંસ્થા જીવદયા ઘરને આપવામાં આવશે. જેને મોટા પશુદીઠ પ્રતિ દિવસ રૂ.50 અને નાના પશુદીઠ પ્રતિ દિવસ રૂ.35ની સહાય કોર્પોરેશન દ્વારા કરાશે.

  • આચારસંહિતાનો ડર: સ્ટેન્ડિંગમાં 63 દરખાસ્ત

ગુજરાત વિધાનસભાની મુદ્ત આગામી 20 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખનું એલાન થાય તો આચારસંહિતા અમલમાં આવી જાય તેવી સંભાવના જણાઇ રહી છે. આવામાં ચૂંટણીની આચારસંહિતાના કારણે વિકાસ કામો પર બ્રેક ન લાગે તે માટે કોર્પોરેશનના ભાજપના શાસકોએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી છે. જેમાં અલગ-અલગ 63 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. સામાન્ય રીતે જ્યારે 30થી વધુ દરખાસ્તો કમિશનર દ્વારા મોકલવામાં આવતી હોય છે ત્યારે ચેરમેન સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બોલાવી લેતા હોય છે. પરંતુ આ વખતે વિવિધ કાર્યક્રમોના કારણે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક સમયસર બોલાવવામાં થોડું મોડું થઇ ગયું હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 63 દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવનાર છે. ચૂંટણીની આચારસંહિતાના કારણે વિકાસ કામો વિલંબમાં ન પડે તે માટે સ્ટેન્ડિંગમાં એકસાથે 63 દરખાસ્તો રજૂ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.