ખેલ મહાકુંભ ૨૦૧૯ નું કાઉન્ટ ડાઉન શરુ થઈ ચૂક્યું છે. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેદ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૦ માં ખેલ મહાકુંભ શરુ કર્યો ત્યારે ૧૩.૧૪ લાખ રમતવીરોએ ભાગ લીધો હતો. જયારે ૨૦૧૮ માં ૩૫.૧૯ લાખ લોકોએ આ રમતોત્સવમાં જોડાઈ સાબિત કર્યું છે કે ગુજરાતીઓ પણ ખેલ ક્ષેત્રે ગંભીર છે. રહી વાત કારકિર્દીની તો ગુજરાતીઓ વિવિધ આંતરરાષ્ટ્રીય સપર્ધાઓમાં માત્ર ભાગ જ નહિ પરંતુ મેડલ પણ મેળવતા થયા. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનું સ્વપ્ન છે કે ગુજરાતીઓ ઓલમ્પિક સહીત તમામ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ઝળકે અને મેડલ પણ મેળવે. આ વાતને લઈને રાજ્ય સરકાર દ્વારા ૫૦૦ કરોડથી વધુનું બજેટ ખેલ ક્ષેત્રે ફાળવી ઉત્કૃષ્ઠ ખેલાડીઓ તૈયાર થાય તે માટે પારિતોષિક, શિષ્યવૃતિ અને સ્પોર્ટ્સ સ્કૂલ શરુ કરી છે.

ખેલ મહાકુંભની ફલશ્રુતિ અંગે રાજકોટ ખાતે સિનિયર કોચ તરીકે ફરજ બજાવતા રમા મદ્રા જણાવે છે કે, ખેલ મહાકુંભ અને જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ દ્વારા અનેક પ્રતિભાશાળી બાળકોને સઘન તાલીમ મળી છે અને નેશનલ લેવલે રમી વિજેતા બનવાનો ચાન્સ મળ્યો છે. એથ્લેટીક્સમાં રાજકોટની  શ્રદ્ધા કથીરિયા ૩૩ મી જુનિયર નેશનલ એથ્લેટીક્સ ચેમ્પિયનશિપમાં ૨૦૦૦ મી માં બ્રોન્ઝ લાવી છે તેમજ ભોપાલ ખાતે ૬૩ મી એસ.જી.એફ.આઈ. મા ૧૫૦૦ મી. માં સિલ્વર મેડલ મેળવ્યો છે અને હાલ તેઓ શક્તિદૂત યોજનામાં સિલેક્ટ થતા તેણીને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩.૫૦ લાખની સહાય આપવામાં આવી છે. જયારે સ્વિમિંગમાં યુવરાજ પટેલે બેંગ્લોર ખાતે આયોજિત ૪૩ મી જુનિયર નેશનલ એક્વાટિક ચેમ્પિયનશિપમા સિલ્વર મેડલ અને બે બ્રોન્ઝ મેડલ મેળવી રાજકોટનું ગૌરવ વધાર્યું છે. તેઓ પણ શક્તિદૂત યોજનાના લાભાર્થી છે જેમને રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩ લાખની સહાય આપવામાં આવી છે. જેઓ હાલ અમદાવાદ ખાતે ખાસ ટ્રેનિંગ મેળવી રહ્યા છે.

કોચ રમા મદ્રા આગળ જણાવે છે કે ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે જુડોની તાલીમ લેનાર અર્ચના નાઘેરા કોમન વેલ્થ ગેમ્સમાં પ્રથમ આવેલી. તેમજ અલ્પા વાઢેર જેઓ હાલ નડિયાદ એકેડમી ખાતે તાલીમ લઈ રહી છે જેઓ બન્ને આગામી સપ્ટેમ્બર માસમાં યુકે ખાતે કોમન વેલ્થ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ ઉપરાંત ૧૦ થી વધુ ખેલાડીઓએ નેશનલ રમી વિવિધ મેડલ્સ મેળવ્યા છે.

રાજકોટ ખાતે હાલ ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે જુડોની તાલીમાર્થી બહેનોમાં ઝાલા અવનીએ નેશનલમાં ૨ બ્રોન્ઝ ૧ સિલ્વર, બારડ ક્રિષ્નાએ ૧ બ્રોન્ઝ, ડાભી શ્રધ્ધાએ ૧ સિલ્વર, બામણીયા રાજેશભાઈએ ૨ બ્રોન્ઝ, વાઢેર નિરાલીએ ૧ બ્રોન્ઝ, બામણીયા ચંદ્રાવતીએ ૧ બ્રોન્ઝ તેમજ ચૌહાણ અર્શિતાએ ૧ મેડલ મેળવ્યો હોવાનું અને તેનું શ્રેય ખાસ નિમાયેલા કોચ વૃજ ભૂષણ રાજપૂતને તેઓ આપે છે.

રાજકોટમાં જય ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાસ્કેટ બોલ, ફૂટબોલ તેમજ રાયફલ શૂટિંગ ગેમ માટે ૧૦૮ તેમજ ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે જુડો અને આર્ચરી ખેલ અર્થે ૧૬૭ ખેલાડીઓ મળી ૨૫૦ થી વધુ બાળકો સઘન તાલીમ મેળવી રહ્યા છે જેનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવી રહ્યો છે.

રાજકોટની ધોળકિયા ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ ખાતે ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી ગીર સોમનથની તરવરાટથી ભરપૂર ઉત્સાહી યુવા ખેલાડી ઝાલા અવની સ્પોર્ટ્સ ક્ષેત્રે કારકિર્દી અંગે વાત કરતા જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અને ડીસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ શરુ ના કરાઈ હોત તો આજે હું ક્યાં હોત તે મને ખબર નથી. ડી.એલ.એસ. એસ. થકી મને શ્રેષ્ઠ કોચ દ્વારા સાયન્ટીફીક ટ્રેનિંગ મળી રહી છે. મને નેશનલ રમવાનો ચાન્સ મળ્યો, સાથે મળ્યા બે બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ. ખેલે ઇન્ડિયા નેશનલમાં સિલ્વર તેમજ સબ જુનિયર નેશનલ અને એસ.જી એફ. આઈ માં બે બ્રોન્ઝ મળ્યા જેનો મને અત્યંત આનંદ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.