રાજકોટ શહેરમાં હાલ કોરોનાએ અજગરી ભરડો લીધો છે. સમગ્ર માનવજાતમાં હાહાકાર મચાવ્યો છે. જો કે હવે ધીમે ધીમે કેસ ઓછા થઈ રહ્યાં છે પરંતુ વેક્સિનેશનની પ્રક્રિયા સમગ્ર દેશમાં ચાલુ હોય ત્યારે રક્તની અછત ઉભી થવા પામી છે. આ માટે થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને કિડનીના દર્દીઓને સમયસર રક્ત મળી રહે તેવા ઉમદા હેતુથી હરિવંદના કોલેજ અને રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા આજરોજ હરિવંદના કોલેજ ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે બપોર સુધી ચાલેલા આ રક્તદાન કેમ્પમું 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાલ સમગ્ર ગુજરાતમાં લોહીની બહુ અછત વરતાઈ રહી છે કેમ કે, વેક્સિનેશનની પ્રક્રિયા ચાલુ છે જેથી વેક્સિન લીધેલા લોકો એક મહિના સુધી રક્ત આપી શકતા નથી અને રાજકોટની વાત કરીએ તો લગભગ દરરોજ ઘણા બધા થેલેસેમીયાગ્રસ્ત બાળકોને લોહીનું જરૂર પડે છે. ત્યારે આવા બાળકોને સમયસર લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી હરિવંદના કોલેજ અને રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા લાઈફ બ્લડ બેંકને સાથે રાખી એક સરાહનીય પગલુ ભર્યું હતું અને રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવેલા એક રક્તદાતાએ જણાવ્યું હતું કે, હાલ જે જરૂરીયાતદર્દીને રક્તની અછત ઉભી થઈ છે તે માટે આજે રક્તદાન કર્યું છે. આ મહામારીમાં યુવાઓ આગળ આવીને રક્તદાન કરે તેવી મારી અપીલ છે. રક્તદાનથી કોઈ આડઅસર થતી નથી અને આ વખતે મેં પ્રથમવાર રક્તદાન કર્યું હતું. હવેથી હું નિયમીત રીતે રક્તદાન કરીશ.
જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે બ્લડ અપાશે: ડો.મહેશભાઈ ચૌહાણ
હરિવંદના કોલેજના ડાયરેકટર ડો.મહેશભાઈ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ જે રીતે રક્તની અછત ઉભી થઈ છે ત્યારે આવા જરૂરિયાતમંદ દર્દીને સમયસર રક્ત મળી રહે તેવા હેતુથી આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં આજે લગભગ 100થી વધુ રક્તની બોટલ એકત્ર કરવામાં આવી છે અને આ રક્ત તમામ જરૂરિયાતમંદ દર્દીઓને વિનામુલ્યે પહોંચાડવામાં આવશે. અગાઉ પણ હરિવંદના કોલેજ દ્વારા અનેક સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે. કોરોનાની મહામારી દરમિયાન પણ ઉકાળા બનાવવા, માસ્કનું વિતરણ સહિતની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત બીજી અને સેવાકીય પ્રવૃતિમાં હરિવંદના કોલેજ જોડાયેલી જ રહે છે.
યુવાઓએ અવશ્ય રક્તદાન કરવું જોઈએ: દેવેન્દ્રસિંહ વાઢેર
હરિવંદના કોલેજના રક્તદાન કેમ્પમાં આવેલા રક્તદાતા દેવેન્દ્રસિંહ વાઢેરે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું દર ત્રણ મહિને નિયમીત રક્તદાન કરૂ છું, ક્યારેય પણ કોઈપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી. રક્તદાન કર્યા બાદ 48 કલાકની અંદર આપણા શરીરમાં નવું લોહી વહેતુ થવા લાગે છે. જ્યારે આ મહામારી ચાલી રહી છે ત્યારે રક્તની ખુબ અછત હોય યુવાઓએ આ સમયગાળા દરમિયાન રક્તદાન અવશ્ય કરવું જોઈએ.