સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ અને ફાર્મસી ભવનમાં છેલ્લા ત્રણ મહિનાથી આરટીપીસીઆર લેબ ધમધમી રહી છે. ત્યારે ત્રણ મહિનાની અંદર યુનિવર્સિટીની લેબમાં કુલ 8800 આરટીપીસીઆર ટેસ્ટ થયા છે. જેનો કુલ ખર્ચ રૂા.17.89 લાખનો થયો છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ દ્વારા કલેકટરને પત્ર લખીને વધારાની નાણાકીય સહાય આપવા માંગ કરવામાં આવી છે. પ્રાઈવેટ લેબમાં 69 લાખના ખર્ચ સામે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આરટીપીસીઆર લેબે 19 લાખથી ઓછાના ખર્ચે ર્ક્યા 8000થી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

 કુલપતિએ આરટીપીસીઆર લેબના વધુ ખર્ચ માટે કલેકટર પાસે નાણાકીય સહાય માંગી

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિવિલ હોસ્પિટલમાંથી આવેલા આરટીપીસીઆર રિપોર્ટનું ટેસ્ટીંગ કરવામાં આવે છે અને એ રિપોર્ટ પરત ટેસ્ટ થયા બાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે. મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ત્રણ માસ પૂર્વે એટલે કે, બીજી લહેર દરમિયાન આરટીપીસીઆર લેબ શરૂ કરવામાં આવી હતી. આ લેબ શરૂ કરવા માટે કુલીંગ સેન્ટ્રોથાઈશ મશીન કે જેની કિંમત રૂા.1.72 લાખ છે. આ ઉપરાંત ડીપ ફ્રીઝ જેની કિંમત રૂા.6.82 લાખ છે.

યુનિવર્સિટીની શુક્રવારે ફાયનાન્સ કમિટીની બેઠક

આરટીપીસીઆર લેબ શરૂ કરવાના બજેટ માટે 40 લાખની જોગવાઈ

આ ઉપરાંત હાલમાં આ લેબમાં 2 લેબ ટેકનીશીયન કામ કરી રહ્યાં છે અને એક સુપરવાઈઝર પણ ફરજ નિભાવે છે. ત્યારે એક ટેસ્ટ કરવા પાછળ લગભગ રૂા.300થી વધુનો ખર્ચ થાય છે. જેમાં એક ટેસ્ટ માટે કેમીકલની જરૂર પડે છે તે સરકાર પ્રોવાઈડ કરે છે. આ સીવાયનો તમામ ખર્ચ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હાલમાં ભોગવી રહી છે.

ત્યારે અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ થયેલ આરટીપીસીઆર લેબનો તમામ ખર્ચો રાજ્ય સરકાર આપવાની હતી. જો કે હજુ સુધી નાણાકીય એકપણ રૂપિયાની સહાય ન મળતા કુલપતિ ડો.નીતિન પેથાણીએ રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુને લેખીતમાં પત્ર લખ્યો છે અને તાકીદે નાણાકીય સહાય આપવા માંગ કરવામાં આવી છે.

ત્રીજી લહેર આવે તો ટેસ્ટીંગમાં પહોંચી વળવા યુનિવર્સિટી સજ્જ: ડો.મીહિર રાવલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીજી લહેર દરમિયાન આરટીપીસીઆર ટેસ્ટીંગ લેબ શરૂ કરવામાં આવી હતી જે હજુ પણ કાર્યરત છે. આ સંદર્ભે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મસી ભવનના વડા ડો.મીહિર રાવલે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ત્રીજી લહેર જો આવે તો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આરટીપીસીઆર લેબ ટેસ્ટીંગને પહોંચી વળવા સજ્જ છે ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી આ લેબ ધમધમી રહી છે. શરૂઆતમાં જ્યારે લેબમાં 125થી 150 જેટલા ટેસ્ટીંગ થતાં હતા. જો કે હવે કોરોનાનું જોર તો ઘટી ગયું પરંતુ પહેલા કરતા અત્યારે દરરોજના 250થી વધુ ટેસ્ટ થઈ રહ્યાં છે. લેબમાં હાલ 2 લેબ ટેકનીશીયન અને 2 સુપરવાઈઝર સતત કામ કરી રહ્યાં છે. અત્યાર સુધીમાં 8800 ટેસ્ટ થઈ ચૂક્યા છે અને હવે જ્યારે ત્રીજી લહેર આવે તો વધુ 2 ટેકનીશીયનોની જરૂરીયાત ઉભી થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.