સફેદ કલરની અને ૫૧ સીટની બેઠક વ્યવસ્થા ધરાવતી ૬ એસ.ટી. બસનું મેયર દ્વારા લોકાર્પણ
રાજકોટ એસ.ટી. ડિવિઝનમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા નવી બસો દોડાવવાનું ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે રાજકોટતી મોરબી રૂટ પર નવી ૬ મોટી એસ.ટી. બસોનું આજે રાજકોટના મેયર ડો.બીનાબેન આચાર્યના અને નીતિન ભારદ્વાજના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજકોટ-મોરબી રૂટ પર અનેક એસ.ટી. બસો દોડાવવામાં આવી રહી છે. પરંતુ સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને દરરોજ નવી ૬ બસો દોડાવવાની નકકી કર્યું છે. મોરબી રૂટ પર નવી સફેદ કલરની અને ૫૧ સીટની બેઠક વ્યવસ્થા ધરાવતી ૬ બસો નિયમીત દોડશે. હજુ આગામી દિવસોમાં પણ મુસાફરોનો જો વધારે ધસારો હશે તો હજુ વધારે બસ દોડાવવાનું નકકી કરવામાં આવશે તેમ રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
આ તકે રાજકોટ એસ.ટી. ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવા, ડેપો મેનેજર વરમોરા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. રાજકોટના મેયર બિનાબેન આચાર્ય અને ભાજપ પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજે લીલીઝંડી આપી બસનો પ્રારંભ કર્યો હતો.