શહેરની ભાગોળે કુવાડવા નજીકના ગુંદાળા ખાતે યુવતીની થયેલી હત્યાનો પોલીસે ભેદ ઉકેલી પાંચ શખ્સોની ધરપકડ કરી ત્યાં ગતરાતે ગાંધીગ્રામ વિસ્તારના લાખના બંગલા પાસે વ્યાજના ધંધાર્થીઓએ એક દિવસનું રુા.200 વધુ વ્યાજ પડાવવા વિપ્ર યુવાનને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કર્યાની, મૃતકના ભાઇ અને માતા પર હુમલ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. સામા પક્ષે વ્યાજના ધંધાર્થીઓ પર પણ હુમલો થયો હતો બંને પક્ષ હોસ્પિટલે એકઠા થતાં પોલીસે ઘટના સ્થળ અને હોસ્પિટલ ખાતે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દીધો છે.
20 હજારના દરરોજનું રૂ.200 વ્યાજ વસુલ કરતા શખ્સોએ એક દિવસના વસુલ કરવા ઝઘડો કરી હત્યા કરી
વ્યાજ ચુકવવા ગયેલા સાળા-બનેવીને વ્યાજખોરોએ લાફા મારી દેતા ઠપકો દેવા ગયેલા બે પુત્ર અને પત્ની પર છરી અને ધોકાથી હુમલો કર્યો: ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો: ઘટના સ્થળ અને હોસ્પિટલે પોલીસનો બંદોબસ્ત ગોઠવવો પડયો
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામના ગાંધીનગર શેરી નંબર 7માં રહેતા સુરજ તેજશભાઇ ઠાકર નામના 23 વર્ષના વિપ્ર યુવાનની લાખના બંગલા પાસે રહેતા વ્યાજના ધંધાર્થી કમલેશ ગોસાઇ, તેના પુત્ર જીગર ગોસાઇ અને જયદેવ ગોસાઇ નામના શખ્સોએ છરી, પાઇપ અને ધોકાથી હુમલો કરી હત્યા કર્યાની મિહીર તેજશભાઇ ઠાકરે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સંત કબીર રોડ પર જેનીશ ઇમીટેશનનું કામ કરતા અને એકાદ વર્ષ પહેલાં પ્રેમ લગ્ન કરનાર સુરજ ઠાકરના પિતા તેજશભાઇએ લાખના બંગલા પાસે રહેતા પોતાના મિત્ર કમલેશ ગોસાઇ પાસેથી એકાદ માસ પહેલાં દરરોજના રુા.200 વ્યાજ પેટે ચુકવવાની શરતે રુા.20 હજાર વ્યાજે લીધા હતા. ત્યાર બાદ તેજશભાઇ ઠાકરે પોતાના બનેવી મેહુલભાઇ પૂજારાને પણ કમલેશભાઇ ગોસાઇ પાસેથી વચ્ચે રહી રુા.10 હજાર વ્યાજે અપાવ્યા હતા.
મેહુલભાઇ પુજારાના વ્યાજ સહિતની રકમ ચુકવવા માટે ગઇકાલે તેજશભાઇ અને તેમના બનેવી મેહુલભાઇ પૂજારા કમલેશભાઇ ગોસાઇના ઘરે ગયા ત્યારે એક દિવસના વ્યાજના રુા.200 ઓછા હોવા અંગે બોલાચાલી કરી તેજશભાઇ ઠાકરને બે લાફા મારી દીધા હતા. કમેશલભાઇ ઠાકરે પોતાને કમલેશ ગોસાઇએ બે લાફા મારી દીધાની વાત કરતા તેના પુત્ર સુરજ, મિહીર અને પત્ની સુનિતા ઉશ્કેરાયા હતા અને કમલેશભાઇને તેના રુા.20 હજાર પણ ચુકવી દેવા તેના ઘરે ગયા હતા અને પોતાના પિતાને લાફા કેમ માર્યા તેમ કહેતા જીગર ગોસાઇએ પોતાની પાસે રહેલી છરીના ઘા સુરજને મારી દેતા તેને બચાવવા મિહીર અને તેની માતા સુનિતા વચ્ચે પડતા તેને પણ કમલેશ અને જયદેવે પાઇપ અને ધોકા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા સુરજને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું. હુમલામાં ઘવાયેલા મિહીર ઠાકર અને તેની માતા સુનિતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
સામા પક્ષે કમલેશ ગોસાઇ સહિતના શખ્સો ઘવાયા હતા અને તેઓ પણ સારવાર માટે હોસ્પિટલ પહોચતા બંને પક્ષ હોસ્પિટલે એકઠાં થતા ફરી ઘર્ષણ થાય તેમ હોવાથી ગાંધીગ્રામ પોલીસ સ્ટાફે લાખના બંગલા પાસે અને હોસ્પિટલે બંદોબસ્ત ગોઠવી દીધો છે.