લોકો સુધી આવશ્યક વસ્તુઓ પહોંચાડવા રાજકોટ રેલવે મંડળનો ધમધમાટ: લોકડાઉન મુદ્દે અસમંજસના કારણે રેલવેનું એડવાન્સ બૂકિંગ હજુ બંધ
લોકડાઉનની અમલવારી આગામી ૧૪ એપ્રીલથી પૂર્ણ થવા જઈ રહી છે. અલબત લોકડાઉનની સમયમર્યાદા લંબાશે તેવા સંકેતો પણ મળી રહ્યાં છે. જેથી રેલવે તંત્ર પણ મુંઝવણમાં મુકાયું હોય, અગાઉ બંધ કરી દીધેલા રેલવેના એડવાન્સ બુકિંગ હજુ શરૂ કરવામાં આવ્યા નથી. આગામી સમયમાં ટ્રાન્સપોર્ટ અને સપ્લાય બાબતે ઉચ્ચ કક્ષાની બેઠક બાદ ફરીથી ટિકિટ બુકિંગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. અલબત અત્યાર સુધી રેલવે દ્વારા એડવાન્સ બુકિંગ ફરી શરૂ કરવા બાબતે નિર્ણય લેવાયો નથી.
દરમિયાન રાજકોટ રેલવે મંડળ દ્વારા દેશના વિવિધ વિસ્તારમાં સેવાઓ પહોંચી શકે તે માટે પાંચ પાર્સલ ટ્રેન અને માલગાડીઓ દોડાવવામાં આવી રહી છે. ૯ એપ્રીલથી ૧૨ એપ્રીલ વચ્ચે ઓખા-બાંદ્રા અને પોરબંદર-શાલીમાર ટ્રેનના પાંચ ફેરામાં દવાઓ, સેનીટાઈઝર, મેડિકલ મોજા, ડોકટરની કીટ, સર્જીકલ સામાન સહિતના મેડિકલ ઉપકરણોના ૯૬૬ પાર્સલની હેરફેર થઈ હતી. આ પાર્સલનું કુલ વજન ૧૭૭૩૦ કિલો જેટલું હતું.
તે પહેલા ૨૪ માર્ચથી ૧૩ એપ્રીલ દરમિયાન લોકડાઉનના સમયગાળામાં રાજકોટ રેલ મંડળ દ્વારા ૧૬૨ આઉટવર્ડ અને ૧૦૪ ઈનવર્ડ સહિત કુલ ૨૬૫ રેંકોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આઉટવર્ડ અંતર્ગત મીઠુ, પેટ્રોલીયમ પદાર્થ, એલપીજી, કોલસો સહિતના સામાનનો સમાવેશ થાય છે. ઈનવર્ડમાં ઘઉં, ચોખા, ફર્ટીલાઈઝર, ઈમ્પોર્ટે કોલસાનો સમાવેશ થાય છે. માલગાડીઓના ૩૭૮ વેગનોમાં ૨૩૯૪૩ મેટ્રીક ટન અનાજ રાજકોટ મંડળમાં લવાયું હતું. જેમાં ૨૧૨૮૨ મેટ્રીક ટન ચોખા અને ૨૬૬૨ મેટ્રીક ટન ઘઉંનો સમાવેશ થાય છે. આ અનાજ ફિરોઝપુરથી આવ્યું હતું અને રાજકોટ અને હાપા સ્થિત ગોડાઉનમાં રખાયું છે.