ગોંડલ રોડ પર ખાણીપીણીની 15 રેંકડીઓમાં ચેકિંગ: ફૂડ લાયસન્સ સંદર્ભે 11ને નોટિસ
શહેરમાં શુદ્ધ ઘીના નામે વેપારીઓ વધુ નફો કમાવવાની લાલચમાં ભેળસેળ યુક્ત ઘીનું વેંચાણ કરતા હોવાની ફરિયાદ અને શંકાના આધારે આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા બે સ્થળેથી ઘીના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ગોંડલ રોડ પર ખાણીપીણીની 15 રેંકડીઓમાં ચેકિંગ હાથ ધરી ફૂડ લાયસન્સ સંદર્ભે 11 વેપારીને નોટિસ ફટકારવામાં આવી હતી.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા ઢેબર રોડ પર જ્યુબીલી શાકમાર્કેટ સામે જલારામ ઘી ડેપોમાંથી લુઝ શુદ્ધ ઘી અને ભક્તિનગર સર્કલથી આગળ ગીતાનગર મેઈન રોડ પર વર્ધમાન પ્રો.સ્ટોર્સમાંથી લુઝ શુદ્ધ ઘીનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગોંડલ રોડ પર માલવીયા ફાટક પાસે અંબિકા દાળ પકવાન, એ-વન ફ્રૂટવાળા, બાબુભાઈ રગડાવાળા, પી.ડી.ચાઈનીઝ, જલારામ ફરસાણ, અર્જૂન પાન, રાજશક્તિ પાન, વેદમાતા પાન, દિલખુશ આમલેટ, શ્રી સાઈન દાળ પકવાન, મહાદેવ દાળ પકવાન, દિપક એગ્ઝ ઝોન અને નિલકંઠ આઈસ્ક્રીમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન ફૂડ લાયસન્સ ન હોવાના કારણે 11 વેપારીને નોટિસ આપવામાં આવી હતી. બે કીલો વાસી મીઠી ચટણી, 4 કિલો ફૂંગવાળો ડ્રેગન ફ્રૂટ, 2 કિલો પેશન ફ્રૂટના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.