સિવિલ હોસ્પિટલની વર્તમાન સ્થિતિનો તાગ મેળવશે: બંધ અથવા ચાલુ ન થતી સુવિધાઓ ત્વરિત શરૂ કરાશે
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલ અધિકારીઓના ક્લાસ લીધા
સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે કેન્દ્ર સ્થાન પર રહેલી રાજકોટ પીડીયુ સિવિલ હોસ્પિટલની રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સાથે સરકાર દ્વારા પણ મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટની સીટમાં પણ વધારો કરવા અને સાથે સાથે મેડિકલ પ્રેક્ટિસ કરતા વિદ્યાર્થીઓની સ્ટાયપેન્ડમાં પણ વધારો કરવામાં આવશે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વર્તમાન સમયની સિવિલ હોસ્પિટલની સ્થિતિનો તાગ મેળવી બંધ અથવા ચાલુ ન થતી સુવિધાઓને શરૂ કરવા માટે પણ તંત્રને ટકોર કરી હતી.જેમાં સિવિલ હોસ્પિટલના અધિકારીઓના પણ આરોગ્યમંત્રીએ ક્લાસ લીધા હતા.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી, મેડિકલ કોલેજ ડીન ડો.સામાણી સહિત હર એક વિભાગના એચ.ઓ.ડી. સાથે મિટિંગનો દોર શરૂ કર્યો હતો. જેમાં અનેક મુદ્દાઓ પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે તબીબી અધિક્ષક પાસેથી માહિતી માગી હતી.
આ સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી હતી કે રાજકોટ મેડિકલ કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટની સીટમાં વધારો કરવામાં આવશે અને સાથે સાથે મેડિકલ ક્ષેત્રે પ્રેક્ટિસ કરતા વિદ્યાર્થીઓના સ્ટાયફંડમાં પણ વધારો કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
પરંતુ સિવિલની બિસ્માર હાલતને લઈને કરવામાં આવેલા સવાલોમાં રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વહેલી તકે દર્દીઓને પડતી હાલાકી અને મુશ્કેલીઓને નિવારવા માટે તમામ પ્રકારના કાર્યો કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું. આ સાથે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં પણ અનેક સુવિધાઓનો વધારો કરવા માટે પણ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા ગુજરાતના હર એક જિલ્લામાં મેડિકલ કોલેજ સ્થાપવામાં પણ સરકાર સતત કાર્યશીલ છે. આ સાથે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ વધુમાં વધુ થાય અને પ્રજા સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સુવિધાઓનો લાભ લે તે માટે પણ અનુરોધ કર્યો હતો.