અમને દબાણ દેખાય તો તમને કેમ નજરે પડતાં નથી? મેયરે અધિકારીઓને ઘઘલાવ્યાં: દબાણ હટાવવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવા સૂચના
કોર્પોરેશનની દબાણ હટાવ શાખાની બલિહારીના કારણે શહેરના મુખ્ય તમામ 48 રાજમાર્ગો, ફૂટપાથ અને સર્વિસ રોડ આડેધડ દબાણો ખડકાઇ ગયા છે. જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોએ ભારોભાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ ફરી મેયર ડો.પ્રદિપ ડવે પ્રાથમિક કામોને પ્રાયોરિટી આપવા માટે શાખા વાઇઝ બેઠકો લેવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન તાજેતરમાં દબાણ હટાવ શાખાના અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. જેમાં સર્વિસ રોડ, ફૂટપાથ અને મુખ્ય રાજમાર્ગો પર ખડકાયેલાં દબાણો દૂર કરવા તાત્કાલીક અસરથી ડ્રાઇવ શરૂ કરવા સૂચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.
તાજેતરમાં મેયર ડો.પ્રદિપ ડવે દબાણ હટાવ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક બેઠક યોજી હતી. જેમાં તમામની રિમાન્ડ લેવામાં આવી હતી. મેયરે અધિકારીઓને ઘઘલાવી નાંખ્યા હતાં. એવી પણ ટકોર કરી હતી કે રાજમાર્ગો પર ખડકાયેલા દબાણો અમને નજરે પડે તો તમારી તો આ મૂળભૂત કામગીરી છે છતાંય તમને કશું કેમ દેખાતું નથી? તાત્કાલીક અસરથી રાજમાર્ગો, સર્વિસ રોડ અને ફૂટપાથ પર ખડકાયેલા દબાણો હટાવવા માટે ડ્રાઇવ શરૂ કરવા કડક સૂચના આપી દેવામાં આવી છે.
રેંકડી, કેબિનો અને પાટ-પાથરણાંઓ આજથી હટાવવાની કામગીરી શરૂ કરી દેવા તાકીદ કરવામાં આવી છે. સાથોસાથ સાઇન બોર્ડ, બેનરો પણ જપ્ત કરવા સૂચના આપવામાં આવી છે. દબાણને લગતી ફરિયાદોને પ્રથમ પ્રાયોરિટી આપવા સૂચના આપવામાં આવી છે. સામાન્ય રીતે ફૂટપાથ રાહદારીઓના ચાલવા માટે બનાવવામાં આવે છે. પરંતુ શહેરમાં જાણે ફૂટપાથ દબાણકર્તાઓ માટે બનાવવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે એકપણ ફૂટપાથ એવી નહીં હોય કે જ્યાં રેંકડી કે કેબિનનું દબાણ ખડકાયેલું નહિં હોય.
શહેરના મુખ્ય 48 રાજમાર્ગો પર પણ આડેધડ દબાણો ખડકાઇ ગયા છે. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. આવામાં હવે મેયર ડો.પ્રદિપ ડવે શહેરીજનોને સિધી અસર કરતો મુદ્ો હાથ પર લીધો છે અને તાત્કાલીક અસર ફૂટપાથ, મુખ્ય રાજમાર્ગ અને સર્વિસ રોડ પરથી દબાણ હટાવવા માટે સંબંધિત વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી દીધી છે.