ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહની વરણી: શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઈ ઘવા અને પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળા પર ઢોળાયો પસંદગીનો કળશ
રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત સ્વ.રમેશભાઈ છાયા સભાગૃહ ખાતે આજે સવારે 11 કલાકે મળેલી ખાસ સભામાં રાજકોટના 21માં મેયર તરીકે વોર્ડ નં.12ના યુવા નગરસેવક ડો.પ્રદિપભાઈ આર.ડવની નિમણૂક કરવામાં આવી હતી. તો ડે.મેયર તરીકે વોર્ડ નં.2ના નગરસેવિકા ડો.દર્શિતાબેન શાહ અને સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન તરીકે પુષ્કરભાઈ પટેલની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે વોર્ડ નં.17ના કોર્પોરેટર અને પૂર્વ ડેપ્યુટી મેયર વિનુભાઈ ઘવા અને શાસક પક્ષના દંડક તરીકે વોર્ડ નં.13ના કોર્પોરેટર સુરેન્દ્રસિંહ વાળાની નિમણૂંક કરવામાં આવી છે.
ખાસ બોર્ડ પૂર્વે સવારે મહાપાલિકા સ્થિત ભાજપ કાર્યાલય ખાતે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી અને પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ તથા ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીની ખાસ ઉપસ્થિતિમાં પ્રદેશ હાઈ કમાન્ડ દ્વારા બંધ કવરમાં મોકલવામાં આવેલા પદાધિકારીઓના નામની ઘોષણા કરવામાં આવી હતી. વર્ષ 2011માં કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરનાર પ્રદિપ ડવને ભાજપે એક જ દશકામાં શહેરના પ્રથમ નાગરિક બનાવ્યા છે તો વર્ષ 2015નું પુનરાવર્તન કરવામાં આવ્યું હોય તેમ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે પુષ્કરભાઈ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે તો ડે.મેયર પદે ડો.દર્શિતાબેન શાહને નિયુક્ત કરવામાં આવ્યા છે. આજે બોર્ડના આરંભે સભા અધ્યક્ષ તરીકે બાબુભાઈ ઉધરેજાની વરણી કરવામાં આવી હતી. તેઓની અધ્યક્ષતામાં મેયર અને ડે.મેયરની ચૂંટણી યોજાય હતી. રાજકોટના 21માં મેયર તરીકે વોર્ડ નં.12ના યુવા નગરસેવક ડો.પ્રદિપભાઈ ડવના નામની દરખાસ્ત અશ્ર્વિનભાઈ પાંભર દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને મનિષભાઈ રાડીયાએ ટેકો આપતા સર્વાનુમતે મેયર તરીકે પ્રદિપ ડવની નિમણૂક કરાઈ હતી.
28માં ડે.મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહના નામની દરખાસ્ત નિલેશભાઈ જલુ દ્વારા કરવામાં આવી હતી. જેને ડો.અલ્પેશભાઈ મોરજરીયાએ ટેકો જાહેર કરતા સર્વાનુમતે ડે.મેયર તરીકે દર્શિતાબેનની વરણી કરવામાં આવી છે.
સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની નિમણૂક માટે કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા દ્વારા અલગ અલગ 12 નામો દરખાસ્ત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા. જેને રવજીભાઈ મકવાણાએ ટેકો આપતા સ્ટેન્ડિંગ કમીટીના 12 સભ્યોની પણ સભાગૃહમાં નિમણૂક કરી દેવામાં આવી હતી. બોર્ડમાં જ સેક્રેટરી દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેનની નિમણૂક કરવા મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે બપોરે 12:30 કલાકે સ્ટેન્ડિંગ કમીટીની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ 12 સભ્યો દ્વારા સર્વપ્રથમ કાર્યકારી અધ્યક્ષની નિમણૂક કરાયા બાદ સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પદે પુષ્કરભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. મહાપાલિકામાં અલગ અલગ ખાસ 15 સમીતીઓના સભ્યો અને ઓફિસર્સ સિલેકશન કમીટીના સભ્યોની વરણી માટે આગામી 16મી માર્ચના રોજ જનરલ બોર્ડની બેઠક મળશે.
ઉદય કાનગડ બાદ રાજકોટને મળ્યા બીજા યુવા મેયર
નવનિયુક્ત મેયર ડો.પ્રદિપ ડવની ઉંમર માત્ર 37 વર્ષ
રાજકોટને 24 વર્ષના લાંબા અંતરાલ બાદ પ્રથમ નાગરિક તરીકે એક યુવા ચહેરો મળ્યો છે. વર્ષ 1997માં ભાજપે રાજકોટના મેયર તરીકે ઉદયભાઈ કાનગડની નિમણૂક કરી ત્યારે તેઓની ઉંમર માત્ર 24 વર્ષની જ હતી અને ગુજરાતમાં સૌથી નાની વયે મેયર બનવાનો તેઓએ રેકોર્ડ બનાવ્યો હતો જે આજસુધી હજુ અકબંધ છે. 24વર્ષના લાંબા અંતરાલ બાદ રાજકોટને ફરી એકવાર મેયર તરીકે એક યુવા નેતા પ્રાપ્ત થયા છે. નવનિયુક્ત મેયર પ્રદિપભાઈ ડવનો જન્મ તા.3-11-1983ના રોજ થયો છે. હાલ તેઓની ઉંમર 37 વર્ષની છે. નાની ઉંમરે તેઓને પક્ષ દ્વારા ખુબ જ મોટી જવાબદારી સોંપવામાં આવી છે. જો કે તેઓ સ્વભાવે ખુબજ ધીરગંભીર હોવા સાથે સંગઠનનો પણ સારો અનુભવ ધરાવે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ભાજપ દ્વારા પ્રદિપ ડવની રાજકોટના 21માં મેયર તરીકે વરણી કરવામાં આવી છે. રાજકોટના જે બે યુવા મેયર કે જેઓની ઉંમર 40 વર્ષની અંદરની છે તે બન્ને જોગાનું જોગ આહિર સમાજમાંથી આવે છે.
મોદી સ્ટાઇલ: પ્રદિપ ડવે સભા ગૃહને કર્યુ નમન
2011માં કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો: 10 વર્ષમાં ભાજપે બનાવ્યા પ્રથમ નાગરિક
પંજો છોડી કેસરીયો ખેસ ધારણ કરવાનું પ્રદિપ ડવને ફળ્યું
રાજકોટ મહાનગરપાલિકાના 21માં મેયર તરીકે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નં.12ના યુવા કોર્પોરેટર ડો.પ્રદિપ ડવની નિમણૂક કરવામાં આવી છે. તેઓ મુળ કોંગ્રેસી છે અને એનએસયુઆઈના શહેર પ્રમુખ રહી ચૂકયા છે. 2010માં મહાપાલિકાની ચૂંટણીમાં તેઓએ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું કે, જો કે તેમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. 2011માં કોંગ્રેસનો છેડો ફાડી ભાજપનો કેસરીયો ખાસ ધારણ કરનાર ડવ માટે નશીબવંતુ પુરવાર થયું છે. મુળ કોંગ્રેસી પ્રદિપ ડવને ભાજપે 10 વર્ષ બાદ શહેરના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન આપ્યું છે. તેઓએ કોંગ્રેસનો સાથ છોડયા બાદ ભાજપમાં એક સામાન્ય કાર્યકર તરીકે પરિશ્રમની પરાકાષ્ટા સર્જી દીધી હતી. પ્રદેશ ભાજપ યુવા મોરચામાં કારોબારી સદસ્ય રહ્યાં હતા અને બે ટર્મ શહેર ભાજપ યુવા પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હતી અને શહેર ભાજપમાં પર ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ટૂંકમાં કોંગ્રેસનો સાથ છોડી ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરવાનું પ્રદિપ ડવને સંપૂર્ણપણે ફળ્યું હોય તેવું પુરવાર થયું છે.
નવા મેયર પાસે પીએચ.ડી. સહિતની 6 ઉચ્ચ ડિગ્રીઓ
રાજકોટના નવનિયુક્ત મેયર ડો.પ્રદિપ આર.ડવ પાસે પીએચ.ડી સહિતની છ જેટલી ઉચ્ચ ડિગ્રીઓ છે. તેઓ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મોરચાના કારોબારી સદસ્ય પણ રહી ચૂકયા છે અને શહેર યુવા ભાજપમાં બે ટર્મ સુધી પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી હજારો યુવાનોને ભાજપની વિચારધારા સાથે જોડ્યા છે. તેઓ બી.કોમ, એલએલબી, બી.જે. એમસી, એમ.એ., એમ.એસ.ડબલ્યુ અને પીએચ.ડી. સુધીનો ઉચ્ચ અભ્યાસ કર્યો છે. વ્યવસાયમાં એડવોકેટ તરીકે પ્રેકટીસ કરે છે. સૌની યોજનાનું પાણી આજી ડેમમાં ઠાલવવાની મહત્વકાંક્ષી યોજનાનું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે તેઓએ વડાપ્રધાનના રોડ-શોમાં હજારો યુવાનોને જોડ્યા હતા જે તેમની કારકિર્દીનું શ્રેષ્ઠ સંભારણુ છે. આ ઉપરાંત અનેક યુવા મોરચાના સંમેલનો, વિવિધ કાર્યક્રમો, રેલીઓ, સંગઠનના કાર્યક્રમમાં પણ તેઓએ એક પાયાના કાર્યકર તરીકે જવાબદારી નિભાવી છે. તમામ ચૂંટણીમાં તેઓનું પરફોર્મન્સ શ્રેષ્ઠ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્યપદે રહી તેઓએ વિદ્યાર્થીઓના અનેક પ્રશ્ર્નોનું નિરાકરણ લાવ્યા અને અનેક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહે તે માટે તેઓ પ્રયત્નશીલ રહ્યાં છે.
વોર્ડ નં.12માં ભાજપે તેઓને પ્રભારી તરીકે નિમણૂંક કરી હતી ત્યારે તેઓએ પક્ષને મજબૂત બનાવવા માટે ખુબ મહેનત કરી હતી. શહેર ભાજપ ઉપપ્રમુખ તરીકે પણ તેઓએ સારી એવી જવાબદારી નિભાવી હતી. કોર્પોરેશનની ગત ચૂંટણીમાં ભાજપે તેઓને વોર્ડ નં.12માંથી ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા. આ વોર્ડ કોંગ્રેસ પાસેથી આંચકી લેવામાં તેઓએ ખુબ જ સફળ રહ્યાં હતા અને તોતીંગ લીડ સાથે વિજેતા બન્યા છે. પ્રથમ ટર્મમાં જ તેઓને રાજકોટના પ્રથમ નાગરિક બનવાનું બહુમાન પ્રાપ્ત થઈ ગયું છે.