સ્ટેન્ડીંગ કમિટીના 1ર સભ્યોની વરણી પણ કરાશે: મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા સત્તાવાર જાહેરાત
રાજકોટ મહાનગર પાલિકાના વર્તમાન મેયર ડો. પ્રદિપ ડવ સહતિના મુખ્ય પાંચેય પદાધિકારીઓની અઢી વર્ષની મુદત આગામી 1રમી સપ્ટેમ્બરે પૂર્ણ થઇ રહી છે. દરમિયાન આગામી 1ર સપ્ટેમ્બર ના રોજ નવા મેયર તથા ડે.મેયરની નિમણુંક માટે ચુંટણી યોજાશે. આજે મેયર અને ડે.મેયરની નિયુકિત માટે બોર્ડ બેઠકની તારીખ મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાસ 1પ સ્ટેન્ડીંગ સભ્યોની પણ નિમણુંક કરાશે.
વર્ષ-2021માં યોજાયેલી રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણીમાં ભાજપ શહેરના 18 વોર્ડની 7ર બેઠકો પૈકી 17 વોર્ડની 68 બેઠકો પર વિજેતા બન્યું હતું. વોર્ડ નં.1પ માં ભાજપના ચારેય ઉમેદવારોનો પરાજય થયો હતો. 1રમી માર્ચ 2021ના રોજ પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે મેયર તરીકે ડો. પ્રદિપ ડવ, ડે.મેયર તરીકે ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન તરીકે પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે વિનુભાઇ ઘવા જયારે પક્ષના દંડક તરીકે સુરેન્દ્રસિંહ વાળાની નિમણુંક કરવામાં આવી હતી. દરમિયાન ડિસેમ્બર-2022માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં ડો. દર્શિતાબેન શાહ રાજકોટ પશ્ર્ચિમ વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવતા તેઓએ ડે.મેયર પદેથી રાજીનામું આપી દીધું હતું.
તેઓના સ્થાને ડે.મેયર તરીકે વોર્ડ નં. 16ના નગર સેવિકા કંચનબેન સિઘ્ધપુરાની નિમણુંક કરવામાં આવી હતી. આગામી 1રમી સપ્ટેમ્બરના રોજ મેયર સહિતના મુખ્ય પાંચેય પદાધિકારીઓની અઢી વર્ષની મુદત પૂર્ણ થઇ રહી હોય નવી નિમણુંક માટેની તારીખનું એલાન વર્તમાન મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા કરવામાં આવ્યું છે. આગામી 1ર સપ્ટેમ્બરના રોજ મળનારી બોર્ડ બેઠકમાં રાજકોટના નવા મેયર, નવા ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડકના નામોની ઘોષણા કરવામાં આવશે. હવે પછીની મેયરની અઢી વર્ષની ટર્મ મહિલા કોર્પોરેટર માટે અનામત હોય રાકોટના નવા મેયર મહિલા હશે હાલ ત્રણથી ચાર નગર સેવિકાના નામો ચર્ચામાં છે. ડે. મેયર કંચનબેન સિઘ્ધપુરાની અઘ્ધ વચ્ચે વરણી કરવામાં આવી હોય તેઓને રિપીટ કરવામાં આવે તેવી પણ પ્રબળ સંભાવના જણાય રહી છે. મેયર પદે મહિલા હોય સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદે મજબુત નગરસેવકને મુકવામાં આવશે.
આવતા વર્ષ લોકસભાની સામાન્ય ચુંટણી યોજાવાની હોય નવી નિમણુંક જ્ઞાતિ-જાતિના સમિકરણોને ઘ્યાનમાં રાખીને કરવામાં આવશે મેયર પદ પટેલ સમાજને આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના છે. આગામી 1ર સપ્ટેમ્બરના રોજ મેયર અને ડે.મેયરની ચુંટણી માટે બોર્ડ બેઠક મળશે તે પૂર્વ ભાજપના કોર્પોરેટરોની એક સંકલન બેઠક મળશે જેમાં શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી દ્વારા પ્રદેશ ભાજપમાંથી બંધ કવરમાં આવેલા નામોની સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.