ગેરેજ સંચાલક દુકાને ગયો, પત્ની અને પુત્ર પારિવારીક પ્રસંગમાં જતા બંધ રહેલા મકાનમાં તસ્કરોએ કર્યો હાથફેરો: જાણભેદુની સંડોવણીની શંકા
વિછીંયાના વાડી વિસ્તારમાં માત્ર બે કલાક બંધ રહેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી દરવાજાના તાળા તોડી તિજોરીના ખાનામાંથી સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.7.50 લાખની મત્તાનો હાથફેરો કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. ચોરીમાં જાણભેદુની સંડોવણીની શંકા સાથે પોલીસે તપાસ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીંયાના સમઢીયાળા રોડ પર વાડીમાં મકાન બનાવી રહેતા ભરતભાઇ મેરામભાઇ રાજપરાએ પોતાના બે કલાક બંધ રહેલા મકાનમાંથી રોકડ અને સોના-ચાંદીના ઘરેણા મળી રૂા7.50 લાખની મત્તાની ચોરી થયાની વિછીંયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ભરતભાઇ રાજપરા વિછીંયા ખાતે આવેલા ગેરેજે ગયા હતા જ્યારે પત્ની અને પુત્ર સંબંધીને ત્યાં સિમંતના પ્રસંગ અર્થે ગયા હતા તે દરમિયાન બપોરે 11 થી 1 વાગ્યા સુધી બંધ રહેલા મકાનમાંથી તસ્કરો સોના-ચાંદીના ઘરેણા અને રોકડ મળી રૂા.7.50 લાખની મત્તા ચોરી થઇ છે. ચોરીના ગુનામાં જાણભેદુની સંડોવણી હોવાની શંકા સાથે વિછીંયા પોલીસે તપાસ હાથધરી છે.