જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, તાલિમ ભવન અને વિવેકાનંદ શાળા સંકુલ-6ના ઉપક્રમેના આયોજનમાં 20થી વધુ કૃત્તિ રજૂ કરાઈ
જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા શિક્ષણ તાલિમ ભવન અને સ્વામી વિવેકાનંદ શાળા વિકાસ સંકુલ નં.6ના ઉપક્રમે આજથી સરોજીની નાયડુ ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે બે દિવસના ગણિત-વિજ્ઞાન અને પ્રદર્શનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. બે દિવસ ચાલનારા પ્રદર્શનમાં 20 થી વધુ શાળાના છાત્રોએ વિવિધ કૃત્તિ-મોડેલ રજૂ કર્યા હતાં. કાલે શહેરનાં છાત્રો પ્રદર્શન નિહાળી શકશે. જેનો સમય સવારે 8 થી બપોરે 3 સુધી રાખવામાં આવેલ છે.
આજે પ્રદર્શનનો શુભારંભ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાના વરદ્ હસ્તે કરાયો હતો. આ તકે ડાયેટના પાચાર્ય ડો.સંજય મહેતા, આચાર્ય સોનલબેન ફળદુ, કોર્પોરેટર જયાબેન ડાંગર, વિનોદભાઇ ગજેરા, રોટરેકટ ક્લબના સિમાબેન, નિવૃત્ત વિજ્ઞાન શિક્ષકો અને નિર્ણાયકો પ્રભુભાઇ ઠોરીયા અને ભાનુબેન ગઢીયા સહિતના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. આ પ્રદર્શનમાં 20 થી વધુ શાળાનાં છાત્રોએ સ્માર્ટ સ્ટીક, ઓટોમેશન સોલાર ફોલ્ડીંગ હાઉસ, પ્રિવેન્સન રોડ સેફ્ટી સ્ટીક, ટ્રીમ મુવિંગ મશીન અને ઓટોમેટીક આલાર્મ સિસ્ટમ જેવા વિવિધ મોડેલ બનાવ્યા હતા. દરેક કૃત્તિ વાઇસ બે બાળકો તેની સરળ સમજ પણ આપતા હતા. આવા પ્રોજેક્ટનો હેતું બાળકો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણમાં રસ લે તેવો છે.
આવા પ્રદર્શનોને કારણે વિદ્યાર્થીઓમાં ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રત્યે રસ-રૂચિ વધે છે: બી.એસ.કૈલા- જિલ્લા શિક્ષણાધિકારી
દર વર્ષે યોજાતા આ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પરત્વેના પ્રદર્શનને કારણે વિદ્યાર્થીઓમાં રસ-રૂચિનો વધારો જોવા મળે છે. તેમ જિલ્લાશિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. આજના ટેકનોલોજીના યુગમાં સ્વાસ્થ્ય, સ્વચ્છતા, માહિતી-પ્રત્યાયન, આપણા માટે ગણિત જેવા પ્રોજેક્ટ થકી ઇકો ફ્રેન્ડલી સામગ્રીનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને મોડેલ નિર્માણ કરે છે.
બાળકો માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીની સમજનાં પ્રોજેક્ટ બનાવી રહ્યાં છે: સોનલબેન કાલાવડીયા
વિજ્ઞાન મેળામાં વિવિધ અવનવા પ્રોજેક્ટ નિહાળીને તેની ક્ષમતાને પ્રોત્સાહન મળતા આજના છાત્રો માહિતી અને પ્રત્યાયન ટેકનોલોજીની સમજ સાથેના પ્રોજેક્ટ બનાવી રહ્યાં છે. તેમ શાળાનાં આચાર્ય સોનલબેન કાલાવડીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું હતું. કાલે તમામ શાળાના બાળકોને પ્રદર્શન જોવા જાહેર આમંત્રણ પણ પાઠવેલ હતું.