-
6 માસની પ્રેગનન્સીમાં જન્મેલ બાળકની સફળતાપૂર્વક ડીલીવરી કરી કરાયું ડિસ્ચાર્જ
-
વહેલા જન્મને કારણે અનેક જટિલતાઓથી પીડાતું હતું બાળક
-
જન્મના 79માં દિવસે યોગ્ય રીતે શ્વાસ લેવા સક્ષમ બન્યું
Rajkot news: રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલના મેટરનલ એન્ડ ચાઇલ્ડ વિભાગે વધુ એક સફળતા મેળવી છે. માત્ર 26 અઠવાડિયાની પ્રેગ્નેન્સીએ જ બાળકનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકનું વજન 740 ગ્રામ હતું અને વિવિધ સમસ્યાઓ હતી. એક અઠવાડિયું વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું. ત્યારે હવે જન્મના 79માં દિવસે યોગ્ય રીતે શ્વાસ લેવા માટે બાળક સક્ષમ બનતા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
બાળકને વેન્ટિલેટર પર રખાયું
740 ગ્રામના વજન સાથે અત્યંત ઓછા વજનવાળા, માત્ર 26 અઠવાડિયાની પ્રેગનન્સી બાદ ખુબ જ વહેલા જન્મેલા બાળકની MCH, PDU સિવિલ હોસ્પિટલ, રાજકોટ ખાતે નોર્મલ ડિલિવરી દ્વારા પ્રસૂતિ કરવામાં આવી હતી. બાળકને જન્મથી ગંભીર ગૂંગળામણ થતી હોવાથી, બાળકને વેન્ટિલેટર અને અન્ય સહાયક ઉપચાર પર મૂકવામાં આવ્યું હતું. બાળકને એક અઠવાડિયું વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું, પછી ધીમે ધીમે શ્વાસ લેવાની ક્ષમતા વધતા CPAP (Continuous Positive Airway Pressure) મશીન અને ત્યાર બાદ ઓક્સિજન પર ખસેડવામાં આવ્યું હતું.
બાળકને કાંગારુ કેર અપાતી
બાળક ખુબ જ વહેલા જન્મને કારણે તેની અલગ અલગ જટિલતાઓ જેવી કે નેક્રોટાઇઝિંગ એન્ટરકોલાઇટિસ, એનિમિયા અને પ્રિમેચ્યોરિટી ઓફ રેટિનોપેથીથી પણ પીડાતું હતું. એકવાર બાળક સ્થિર થઈ ગયા પછી, ધીમે ધીમે માતાનું એક્સ્પ્રેસ્ડ બ્રેસ્ટમિલ્ક વધારવામાં આવ્યું હતું. માતાના સ્તનપાન અને માતા-પિતા બંને દ્વારા અપાતી કાંગારૂ મધર કેર એ બાળકનું વજન વધારવા માટે મોટો ટેકો આપ્યો હતો.
બાળકનું વજન વધતાં તે યોગ્ય રીતે શ્વાસ લેવા સક્ષમ થયું
કાંગારુ મધર કેર ઓછા વજનવાળા બાળકો માટે વરદાનરૂપ સાબિત થયેલી પદ્ધતિ છે કે જેમાં નવજાત શિશુને માતાની છાતી સાથે શિશુના શરીરનો સીધો સંપર્ક થાય તેમ વળગાડીને રાખવામાં આવે છે. જીવનના 79મા દિવસે બાળકે 1.7 કિલો વજને પહોંચ્યું છે. ત્યાર બાદ બાળક ખુલ્લી હવામાં યોગ્ય રીતે શ્વાસ લેવા સક્ષમ થતા, હૃદયના ધબકારા તથા રક્તપ્રવાહ સ્થિર થતા અને સારી રીતે સ્તનપાન કરતુ થતા , તેને સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યું હતું.