- બોગસ દસ્તાવેજ કૌભાંડના માસ્ટર માઈન્ડ હર્ષ સોનીની ધરપકડ
- 17થી વધુ બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યાના ઘટસ્ફોટ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા હર્ષની ધરપકડ
- આરોપી હર્ષ સોનીને અમદાવાદથી પકડી લેવાયો હતો
રાજકોટના જિલ્લા નોંધણી ભવન ખાતે નકલી દસ્તાવેજના કૌભાંડનો મુખ્ય સુત્રધાર હર્ષ સોનીની અમદાવાદથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ 17થી વધુ જેટલા બોગસ દસ્તાવેજની ફરિયાદ નોંધાયા બાદ તે ભૂગર્ભમાં ઉતરી ગયેલા હર્ષને અમદાવાદથી પકડી લેવાયો હતો.
મળતી માહિતી મુજબ, પ્રધુમનનગર પોલીસની ટીમ અમદાવાદથી દબોચી હર્ષ સોનીને રાજકોટ લાવવામાં આવ્યો છે. આ દરમિયાન PI ડોબરિયા અને તેની ટીમે સઘન પૂછપરછ હાથ ધરી છે. અને અનેક અધિકારીઓ સહિત મોટા માથાઓની સંડોવણી ખુલવાની શક્યતા છે. તેમજ વર્ષ 1972 પહેલાના હસ્તલિખિત દસ્તાવેજની સ્કેનિંગ કોપીમાં કચેરીના સુપરવાઇઝર અને કોન્ટ્રાક આધારિત કર્મચારી સહિત 3 શખસોએ 17થી વધુ બોગસ દસ્તાવેજ બનાવી લોકો સાથે ચેડા કરવામાં આવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
તપાસમાં 17થી વધુ બોગસ દસ્તાવેજ બનાવ્યું હોવાનું સામે આવ્યું
આ અંગે વધુમાં મળતી વિગત મુજબ, પ્રધુમનનગર પોલીસ મથક સબ રજિસ્ટાર કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે. તેમજ આરોપીઓ દ્વારા કિંમતી દસ્તાવેજોનો કપટ પૂર્વક નાશ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓ દ્વારા હસ્તલેખિત દસ્તાવેજોના સ્કેનિંગ રેકોર્ડ ડિલિટ કરી તેમાં ચેડા કરવામાં આવ્યા હતા. ડિલિટ કરેલા દસ્તાવેજોની જગ્યાએ બોગસ દસ્તાવેજ બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ બોગસ દસ્તાવેજ બનાવી તેનો ખરા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરતા હતા. આ દરમિયાન બોગસ દસ્તાવેજ કૌભાંડના માસ્ટર માઈન્ડ હર્ષ સોનીની ધરપકડ કરવામાં આવી છે.
અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ
અમદાવાદની BNS એજન્સીના કોન્ટ્રાકટ આધારિત સુપરવાઇઝર જયદીપ ઝાલા, કોન્ટ્રાકટ આધારિત કર્મચારી હર્ષ સોની અને અન્ય કિશન ચાવડાએ સમગ્ર કૌભાંડ આચર્યું હતું. જો કે આ પ્રકરણમાં પોલીસે અગાઉ જયદીપ ઝાલાની ધરપકડ કરી હતી. જ્યારે કૌભાંડનો મુખ્ય સુત્રધાર હર્ષ સોની ફરાર હતો. સબ રજિસ્ટાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજના કૌભાંડ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે હવે પોલીસે 17થી વધુ બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યાના ઘટસ્ફોટ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા માસ્ટર માઈન્ડ હર્ષ સોનીની અમદાવાદથી ધરપકડ કરી છે.