મેલેરિયા અને ચિકનગુનિયાના પણ બબ્બે કેસ નોંધાયા: શરદી-ઉધરસના 253, ઝાડા-ઉલ્ટીના 87 અને સામાન્ય તાવના 49 કેસ નોંધાયા
ગત સપ્તાહે શહેરમાં ડેન્ગ્યૂ તાવના વધુ 17 કેસ સહિત રાજકોટમાં ડેન્ગ્યૂએ સદી ફટકારી છે. મેલેરિયા અને ચિકનગુનિયાના પણ બબ્બે કેસ મળી આવ્યા છે. મચ્છરોની ઉત્પતિ સબબ 787 આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.
આજે કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાંથી ડેન્ગ્યૂ તાવના 17 કેસ નોંધાયા છે.
આ સાથે ચાલુ સાલ ડેન્ગ્યૂના કેસનો આંક સદીને વટાવી 104એ પહોંચી જવા પામ્યું છે. મેલેરિયાના બે કેસ જ્યારે ચિકનગુનિયા પણ બે નોંધાયા છે. ચાલુ સાલ મેલેરિયાના કુલ 30 અને ચિકનગુનિયાના 18 કેસો નોંધાયા છે. આ ઉપરાંત ગત સપ્તાહે શરદી-ઉધરસના 253 કેસ, સામાન્ય તાવના 49 અને ઝાડા-ઉલ્ટીના 87 કેસ નોંધાયા છે.
રોગચાળાને નાથવા માટે 90,252 ઘરોમાં પોરાનાશક કામગીરી હાથ ધરવામાં આવી હતી. જ્યારે 2123 ઘરોમાં ફોગીંગની કામગીરી કરવામાં આવી હતી. મચ્છરોની ઉત્પતિ સબબ 536 સ્થળે ચેકીંગ હાથ ધરાયું હતું. દરમિયાન રહેણાંક વિસ્તારોમાં 787 સ્થળોએ મચ્છરોની ઉત્પતિ જણાતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે.