1લી એપ્રિલથી જણસી લાવી શકાશે: બીજીથી યાર્ડ રાબેતા મુજબ ધમધમશે
સૌરાષ્ટ્રના અગ્રગણ્ય ગણાતા રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં માર્ચ એન્ડિંગની રજાઓ આજથી શરૂ થઈ છે. આજ તા.23 માર્ચથી તા.1લી એપ્રીલ રાજકોટ બેડી યાર્ડ 10 દિવસ સુધી રજા પાળશે. હિસાબી કામકાજોથી રજાઓ પાડવામાં આવતી હોવાથી આ દિવસો દરમ્યાન યાર્ડનું હરરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ રહેશે તેમજ કોઈ ખેડૂતો પોતાની જણસી ઠાલવી શકશે નહિ. આગામી તા.1લી એપ્રિલથી વિવિધ જણસીની પૂન: આવક શરૂ કરાશે. અને 2જી એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થશે. તેમ સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસિયેશનના પ્રમુખ અતુલ કમાણી દ્વારા જણાવાયું છે.
કાલે હરરાજી પૂર્ણ થયા બાદ તમામ જણસીની આવક સદંતર બંધ ઉપલેટા માર્કેટીંગ યાર્ડમાં 25મીથી રજા
હિસાબી કામકાજો અર્થે ઉપલેટા માર્કેટીંગ યાર્ડ આગામી 25 માર્ચથી રજા પાળશે તા.25.3 થી તા.31.3 સુધી જાહેર હરરાજીનું કામકાજ બંધ રહેશે. આવતીકાલ તા.24ના રોજ હરરાજી પૂર્ણ થયા બાદ તમામ જણસીની આવક સદંતર બંધ કરી દેવામાં આવશે. તા.1લી એપ્રિલથી યાર્ડ રાબેતા મુજબ શરૂ થનાર હોય જેથી એક દિવસ પુર્વે તા.31.3 થી
તમામ જણસીની આવક પૂન: શરૂ કરી દેવાશે. ઉપલેટા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં સેક્રેટરી રાજ ઘોડાસરાની યાદીમાં વધુમાં જણાવાયું છે કે માર્ચ એન્ડિંગની રજામાં જનરલ કમિશન એજન્ટ અને માર્કેટીંગ યાર્ડમાં વેપાર કરતા વેપારીભાઈઓએ સને 2021-22 વર્ષની લાયસન્સ અરજી તા.31.3.2021 સુધીમાં અરજીઓ કરવાની રહેશે. રજાના દિવસોમાં યાર્ડની અંદર કોઈપણ વેપારી કે ખેડુતો પોતાની જણસી યાર્ડની અંદર લાવી શકશે નહિ.