- કપાસની 8500 ભારીની જયારે મગફળીની 1 લાખથી વધુ ગુણીની આવક યાર્ડની બહાર જણસી ભરેલા વાહનોની 9 કિ.મી.ની લાંબી કતારો લાગી
સૌરાષ્ટ્રભરનાં તમામ માર્કેટીંગ યાર્ડમાં હાલ કપાસ અને મગફળી સહિતની વિવિધ જણસીની આવક થઈ રહી છે. સૌરાષ્ટ્રના પ્રથમ પંકિતના રાજકોટ માર્કેટીંગ યાર્ડનું આંગણુ આજે ફરી એકવાર મગફળી અને કપાસથી છલકાય ગયું હતુ. યાર્ડની બહાર વાહનોની 9 કી.મી. ની લાંબી લાઈનો લાગી હતી ખૂદ ચેરમેન જયેશભાઈ બોધરા ઉતરાયની વ્યવસ્થામાં લાગી ગયા હતા. હવે જયાં સુધી મગફળી અને કપાસના માલનો નિકાલ નહી થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહીં.
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસીના સારા એવા ભાવો મળી રહ્યા હોવાના કારણે સૌરાષ્ટ્રભરનાં ખેડૂતો રાજકોટ ખાતે ખેત પેદાશોના વેંચાણ માટે આવી રહ્યા છે. મગફળી અને કપાસની ચિકકાર આવક થઈ રહી છે. 900થી વધુ વાહનો વિવિધ જણસી ભરીને આવી પડતા યાર્ડની બહાર વાહનોની 9કિ.મી.ની લાંબી લાઈનો લાગી જવા પામી હતી. ખેડૂતોને કોઈ અગવડતા ન પડે અને તમામ જણસીની સુવ્યવસ્થિત ઉતારાય માટે યાર્ડના યુવા ચેરમેન જયેશભાઈ બોધરા સહિતના તમામ ડિરેકટરો ઉપરાંત સ્ટાફ ઉતરાયની વ્યવસ્થામાં ગોઠવાઈ ગયો હતો. એક પછી એક વાહનોને ક્રમવાર પ્રવેશ આપવામા આવ્યો હતો. કપાસની 8500થી વધુ ભારીની આવક થવા પામી હતી. જયારે મગફળીની અંદાજે 1,00,000થી 1,05,000 લાખ ગુણીની આવક થવા પામી છે. દરમિયાન કપાસ અને મગફળીની આવક સ્વીકારવાનું બંધ કરી દેવામાં આવી છે. માલનો નિકાલ થયા બાદ કપાસ અને મગફળીની આવક સ્વીકારવામાં આવશે. હાલ યાર્ડમાં પ્રતિ મણ કપાસનો ભાવ રૂ.1350થી રૂ. 1470 વચ્ચે ચાલી રહ્યો છે. જયારે જાડી મગફળીના ભાવ રૂ. 845 થી 1211 અને જીણી મગફળીના ભાવ રૂ. 875 થી 1225 વચ્ચે બોલાય રહ્યા છે.