રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે મચ્છર મામલે આજે પણ વિરોધ પ્રદર્શન યથાવત્ દેખાવો કરનાર ૩૦૦ના ટોળા સામે રાયોટીંગ અને ફરજ રૂકાવટનો કેસ
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે મચ્છરો મામલે હિંસક આંદોલન થયા બાદ આજે માર્કેટીંગ યાર્ડ સજ્જડ બંધ છે. ઉગ્ર દેખાવો, લાઠીચાર્જ, પથ્થરમારોના દ્રશ્યો સર્જાયા બાદ ૩૦ જેટલા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી. જેથી અચોકકસ મુદત સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રાખવા એલાન અપાયું હતું પરંતુ આ મુદ્દે માર્કેટીંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ આવતીકાલે યાર્ડ ખુલ્લી જ જશે અને યાર્ડની કામગીરી પૂર્વવત શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા ઘણા દિવસથી મચ્છરોનો ત્રાસ વેપારીઓ, મજુરો સહન કરી રહ્યા હતા.
અંતે મચ્છરોથી કંટાળી અને અંતિમ વખત સતાધીશો સાથે બેઠક કરી આ મુદ્દે કોઈ ચોકકસ નિવેડો લાવવા ગઈકાલે પ્રયત્ન કર્યો હતો પરંતુ મીટીંગમાં મચ્છરોની સમસ્યા સામે કોઈ નિરાકરણ નહીં આવતા પ્રથમ રસ્તા રોકોથી આંદોલન શરૂ થયું જેમાં વેપારીઓ, મજુરો, પોલીસની સમજાવટથી નહીં માનતા પોલીસે લાઠીચાર્જ કર્યો તો સામે પ્રદર્શનકારીઓએ પથ્થરમારો કર્યો જેમાં ૩ પોલીસકર્મી ઘવાયા તો અમુક વાહનોના કાચ તુટયા, ટાયરો પણ સળગાવવામાં આવ્યા. અંતે પોલીસે યાર્ડની ફરતે કિલ્લેબંધી કરી આંદોલનકારીઓની અટકાયત કરતા યાર્ડ બંધનું એલાન અપાયું હતું. સમગ્ર હિંસક આંદોલન બાદ આજે માર્કેટીંગ યાર્ડ બંધ રહેવા પામશે જોકે આ અંગે યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું છે કે ખેડુતો હેરાન ન થાય તેમજ તેઓ પોતાની જણસી વહેંચી શકે તે માટે કાલથી યાર્ડને પૂર્વવત શરૂ કરી જ દેવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.
ગુનામાં ૩૨ વેપારીઓને કોર્ટ હવાલે કરાશે
બેડી માર્કેટીંગ યાર્ડ ખાતે મચ્છરના પ્રશ્ને વેપારી દ્વારા શરૂ કરાયેલા આંદોલન દરમ્યાન પોલીસ અને વેપારી વચ્ચે ઘર્ષણનાં કારણે પોલીસે ૩૨ વેપારીઓની અટકાયત કરી ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો છે. રાયોટીંગ અને ફરજમાં રૂકાવટના ગુનામાં ઝડપાયેલા ૩૨ વેપારીઓને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયા છે. યાર્ડના દલાલ એસો.ના પ્રમુખ અતુલભાઈ કમાણી, ખેડુત આગેવાન જયભાઈ સખરેલીયા, વલ્લભભાઈ પાચાણી, કલ્પેશભાઈ ગોવાણી, કિર્તીભાઈ રાજવીર અને પરેશભાઈ ગોહિલ સહિત ૩૦૦ વેપારીઓ સામે કુવાડવા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. જે પૈકીનાં ૩૨ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરાયા છે.