- પ્રતિ મણ ઘઉં ગ્રાહકોને રૂ.680માં આપશે,ખરીદી કરવા અનુરોધ
રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા આજે પોતાની બ્રાન્ડ નેમ એપીએમસી રાજકોટ હેઠળ બારે માસ ભરવા લાયક સોર્ટેક્ષ ટુકડા ઘઉંના વેચાણનું કેન્દ્ર માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા ખુલ્લું મુકવામાં આવ્યું. આ તકે માર્કેરિંગ યાર્ડના ડીરેક્ટર કેશુભાઈ નંદાણીયા, જીતુભાઈ સખીયા, અતુલભાઈ કમાણી અને સંદીપભાઈ લાખાણી સહિતના ડીરેક્ટરો ઊપરાંત સેક્રેટરી બી.આર.તેજાણી હાજર રહ્યા હતા. કેન્દ્ર મારફત પ્રતિ મણ ઘઉં રૂપિયા 680 ના ભાવથી આપવામાં આવનાર છે. લોકોને રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા સોર્ટેક્ષ કરેલા બેસ્ટ ક્વોલીટીના ઘઉં ખરીદવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આજે માર્કેટ યાર્ડમાં 600થી વધુ વાહનોની આવક થઈ હતી.જેમાં જીરુંની આવક 30,000 મણ તુવેરની આવક ,6000 મણ રાય – રાયડોની આવક 4500 મણ, મેથીની 30000 મણ અને કપાસની 13000 મણ આવક થવા પામી હતી. જણસીઓ ભરેલા વાહનોને માર્કેટયાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. માર્કેટયાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા વા.ચેરમેન તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા આ ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી.
- ગુણવત્તાયુકત ઘઉં લોકોને વ્યાજબી ભાવે મળી રહેશે: જયેશ બોધરા
રાજકોટ માર્કેટિંગ યાર્ડના ચેરમેન બોઘરા એ અબ તક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની વેચાણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે પણ રાજકોટ બેડી યાર્ડની પોતાની બ્રાન્ડ બનાવી સોનેરા ટુકડા જે લોકોને બારેમાસ માટે ભરવાના હોય ત્યારે ગુણવત્તાવાળા ઘઉંનું વેચાણ કરેલું. આ વર્ષે સીઝનની શરૂઆતથી જ એપીએમસી બ્રાન્ડના ઘઉં લોકો ને સારી ગુણવત્તા તેમજ વ્યાજબી ભાવે મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 5000 મણ ઘઉંનું વેચાણ એક મહિના દરમિયાન થયું હતું ત્યારે આ વર્ષે પણ અમને સારું પ્રોત્સાહન મળશે. લોકોને એપીએમસી બ્રાન્ડના ઘઉં પર ખૂબ જ વિશ્વાસ હોય છે ત્યારે એપીએમસી બેડી યાર્ડ ખાતે રોજ સવારે 9:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી વેચાણ ચાલુ રહેશે. હાલ એપીએમસી બ્રાન્ડના ઘઉંના ભાવ 680 રૂપિયા છે.