ખેડૂત વિભાગની 10, વેપારી વિભાગની 4 અને સહકારી વિભાગની 2 મળી કુલ 16 બેઠકો માટે મતદાન યોજાશે: 23 સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્રો ભરાશે
સૌરાષ્ટ્રના સૌથી મોટા ગણાતા રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થઈ છે. જેનું મતદાન 5મી ઓકટોબરે યોજાશે. રાજકોટ યાર્ડની ચૂંટણીમાં ઉમેદવારી પત્રો આગામી 23 સપ્ટેમ્બરથી ભરાવાનું શરૂ થશે.બેડી સ્થિત રાજકોટ માર્કેટ યાર્ડની મુદત ગત 8મી જુલાઈએ પૂર્ણ થઈ હતી. ત્યારબાદ ચૂંટણી યોજવા માટેનો તખ્તો ઘડાયો હતો. જેને લઈ આજે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીમાં આગામી તા.5મી ઓકટોબરે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ખેડૂત વિભાગની 10 બેઠક માટે, વેપારી વિભાગની 4 બેઠક માટે અને સહકારી વિભાગની 2 બેઠક સહિત કુલ 16 બેઠકો માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે.
ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ગરમાયો છે. રાજકોટ માર્કેટ યાર્ડની ધુરા સંભાળવા ભાજપના બે જુથો સક્રિય થયા છે. વર્તમાન શાસક જુથ સખીયા ગ્રુપ કોઈપણ ભોગે શાસન ટકાવી રાખવા માંગે છે તો બીજી તરફ ધારાસભ્ય અરવિંદ રૈયાણી પણ પોતાનું સહકારી ક્ષેત્રમાં સ્થાન મેળવવા ઈચ્છે છે. કુલ બેઠકો પૈકી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખેડૂત પેનલની બે બેઠકોમાં વધારો કરવામાં આવ્યો’તો. ગત 8 જુલાઈએ યાર્ડની મુદત પૂર્ણ થતાં વર્તમાન શાસકોએ જ ધુરા સંભાળી રહ્યાં છે. વર્તમાન બોડીની મુદત પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે જુથવાદનો ચરૂ ન ઉકળે તે માટે જે તે સમયે કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાને હવાલો સોંપાયો હતો. ચૂંટણી જાહેર થતાં જ રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે યાર્ડની બોડીમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે તે જોવાનું રહ્યું.
બેડી યાર્ડમાં બે બળિયા જુથ દબદબો જમાવવા માંગતા હોય સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયું છે. જ્યારે મુદત પૂર્ણ થવાની તૈયારી હતી ત્યારથી જ રાજકારણમાં ખળભળાટ ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ઉમેદવારો ક્યાં પક્ષને ચૂંટે તે છેલ્લી ઘડી સુધી કહી શકાય તેમ નથી. દર વખત કરતા આ વખતની ચૂંટણી વધુ રસપ્રદ રહેશે. આ વખતે ચૂંટણી અગાઉ જ જે માહોલ જોવા મળી રહ્યો છે તે જોતા ઉમેદવારો કોને પસંદ કરે તે પક્ષ પણ નક્કી કરી શકે તેમ નથી. તેમાં પણ આ વખતે ખેડૂત વિભાગની બે બેઠકમાં વધારો થતાં ચૂંટણીનો માહોલ વધુ રસપ્રદ બની રહ્યો છે.
હજુ ચૂંટણીને અઢી મહિના જેવો સમયગાળો હોય હાલની પરિસ્થિતિએ કોઈપણ જુથ મુદ્દે સ્પષ્ટતા કરી શકાય તેમ નથી. રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી જાહેર થઈ છે. ત્યારે આગામી 5મી ઓકટોબરે કુલ 16 બેઠકો માટે મતદાન યોજાશે અને 23મી સપ્ટેમ્બરથી ઉમેદવારી પત્ર ભરી શકાશે. ઉમેદવારીપત્રો ભરાયા બાદની પ્રક્રિયાનો કાર્યક્રમ હવે જાહેર થશે. કોરોના સંક્રમણ વધુ હોતા અગાઉથી જ આ ચૂંટણી દૂર જાય તેવા સંકેતો મળ્યા હતા. જે મુજબ જ હવે જ્યારે કોરોના સંક્રમણ ઘટ્યું છે ત્યારે ચૂંટણી જાહેર કરવામાં આવી છે.