અલગ-અલગ 76 સ્થળોએ માર્જીન-પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરી 905 ચો.મી. જમીન ખૂલ્લી કરાવતું કોર્પોરેશન
શહેરના નાનામવા રોડ પર મોટાભાગની બિલ્ડીંગોમાં માર્જીન અને પાર્કિંગની જગ્યામાં ગેરકાયદે બાંધકામો ખડકાઇ ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે નાનામવા રોડ પર હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓટલા તોડમાં 76 બિલ્ડીંગોના માર્જીન અને પાર્કિંગમાં ખડકાયેલા દબાણો હટાવી અંદાજે 905 ચો.મી. ખૂલ્લી કરાવવામાં આવી હતી.
આજે સવારે કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત નાનામવા રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સિલ્વર સ્ટોન મેઇન રોડ, લક્ષ્મીનગર, કરણપાર્ક મેઇન રોડ, ઓરા ડેન્ટલ કેર સામે, માનસી પ્લાઝા, લક્ષ્મી કોમ્પ્લેક્સ, દાસી જીવણપરા, અર્જુન પાર્ક, સંભવ કોમ્પ્લેક્સ, માલાણી નિવાસ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, આઇસીઆઇસીઆઇ બેંક સામે, સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલની સામે, નાનામવા ચોક, પટેલ પેંડાવાલા સામે, બેકબોન હાઇરાઇઝ સામે, અલય શોપિંગ સેન્ટર, ભવાની નગર ચોક, મોકાજી સર્કલ, સત્યમ પાર્ક, શિવદ્રષ્ટિ સોસાયટી, આંબેડકરનગર મેઇન રોડ, જડુસ રેસ્ટોરન્ટવાળો રોડ, અને શાસ્ત્રીનગર સામે સહિતના વિસ્તારોમાં અલગ-અલગ 76 બિલ્ડીંગોના માર્જીન અને પાર્કિંગમાં ગેરકાયદેસર ખડકાયેલા ઓટલા, છાપરાના દબાણો દૂર કરી આશરે 905 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.