કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.10માં યુનિવર્સિટી રોડ પર એચ.પી.પેટ્રોલપંપના ભાડુઆત શ્રી ગુરૂ ઓટો પાસેથી રૂા.8.14 લાખનો બાકી વેરો વસુલવા માટે મિલકત સીલ કરી દેવામાં આવી હતી. આજે કુલ 19 મિલકતોને તાળા લગાવી દેવામાં આવ્યા છે. જ્યારે કુલ 44 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે. આજે ટેકસ બ્રાંચ દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકસ રિકવરીની કામગીરી દરમિયાન શહેરના વોર્ડ નં.1, 4,5,6,7,8,9, 10,12,13,14,15,17 અને 18માં અલગ અલગ વિસ્તારોમાં બાકીદારો પર ધોંસ બોલાવવામાં આવી હતી. જેમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 6 મીલકત સીલકરાઈ હતી અને 14 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવી છે. જેની સામે રૂા.14.8 લાખની વસુલાત થવા પામી છે. વેસ્ટ ઝોનમાં 8 મિલકતો સીલ કરવામાં આવી છે. જ્યારે 17 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.21 લાખની વસુલાત થવા પામી છે. જ્યારે ઈસ્ટ ઝોનમાં 5 મિલકતો સીલ કરાઈ અને 13 મિલકતોને જપ્તી નોટિસ ફટકારવામાં આવતા રૂા.14.18 લાખની વસુલાત થવા પામી છે. ઓ કુલ 19 મિલકત સીલ કરાઈ અને 14 મિલકતોને જપ્તી નોટિસ આપવામાં આવી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં ટેકસ બ્રાંચને રૂા.260 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેની સામે આજ સુધીમાં માત્ર 183 કરોડની વસુલાત થવા પામી છે. નાણાકીય વર્ષ પૂરું થવાને માત્ર 6 દિવસ બાકી રહ્યાં છે. રોજ 15 કરોડની વસુલાત કરવામાં આવે તો પણ ટેકસનો ટાર્ગેટ પુરો થાય તેવી સંભાવના દેખાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.