હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા સિંગલ યૂઝ પ્લાસ્ટિક પર મુકાયેલા પ્રતિબંધને પગલે રાજકોટમાં પણ ચેકિંગ શરૂ કરી દેવાયું છે. શુક્રવારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમે પ્લાસ્ટિકના વેપારીઓને ત્યાં દરોડા પાડીને ચેકિંગ હાથ ધર્યું હતું જેમાંથી પ્લાસ્ટિકના કપ, ગ્લાસ સહિતની વસ્તુઓનો 25 કિલો જથ્થો જપ્ત કરી આકરી કાર્યવાહી કરી હતી. ચેકિંગ દરમિયાન 8.990 કિલો પ્લાસ્ટિકના કપ, 8.660 કિલો ગ્લાસ તેમજ 8.480 કિલો પ્લાસ્ટિકના ઝબલાનો જથ્થો ટીમને હાથ લાગ્યો હતો.
ડિસ્ટ્રિબ્યુટર ઉપરાંત રીટેઇલર અન્ય ધંધાર્થીઓને ત્યાં પણ ચેકિંગ કાર્યવાહી ચાલુ રખાઈ
રાજકોટના વેપારીઓમાં રિટેઇલરો–ખાણીપીણીના ધંધાર્થીઓને, ફેરિયાઓ કે ચાની લારીઓ કે હોટેલ પર સપ્લાય થતાં પ્લાસ્ટિક કપ, ગ્લાસ, સ્પૂન, ડીસ આવી વસ્તુઓના વેપારીઓને ત્યાં જ શુક્રવારે સવારથી ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું.કેન્દ્ર સરકારના આદેશને પગલે દરેક રાજ્ય અને શહેરોમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધના નિયમનો અમલ શરૂ થયો છે જેના પગલે રાજકોટ શહેરમાં પણ શુક્રવારે કોર્પોરેશનની ટીમે શહેરના જુદા-જુદા પ્લાસ્ટિકની વસ્તુનું વેચાણ કરતા વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ કર્યું હતું અને પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓનો જથ્થો જપ્ત કર્યો હતો અને કાયદાકીય કાર્યવાહી હાથધરી હતી.
કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ આજથી આવા સિંગલ યૂઝ પ્લાસ્ટિક કોમોડિટીનું ઉત્પાદન, આયાત, સ્ટોકિંગ, વિતરણ, વેચાણ અનેઉપયોગ પર પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે
હજુ આગામી દિવસોમાં પણ શહેરમાં જુદા-જુદા પ્લાસ્ટિકના રીટેઇલ વેપારીઓને ત્યાં ચેકિંગ ઝુંબેશ ચાલવાની હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે, સિંગલ યુઝ પ્લાસ્ટિકને કારણે ફેલાતા પ્રદૂષણને કારણે કેન્દ્ર સરકારે પ્રતિબંધ લાદી લીધો છે. આ નિયમની અમલવારી કરવા મહાનગરપાલિકાની ટીમે શહેરમાં શુક્રવારે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અનેક વેપારી પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા કાર્યવાહી કરાઈ હતી.