અબતક, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકામાં આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં માત્ર ગણીને ચાર મિનિટમાં 34 દરખાસ્તોને ધડાધડ મંજૂરીની મહોર મારી ચાર કરોડથી વધુના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. ચાર વર્ષ પૂર્વે અર્થાત 2018માં યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં થયેલો અર્ધા કરોડનો ખર્ચ મંજૂરીની દરખાસ્ત મામલે ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠક અને ત્યારબાદ મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ઉગ્ર માથાકૂટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
2018માં જ્યારે સુજલામ્-સુફલામ્ જળ અભિયાન અને એકતા રથયાત્રા યોજાઈ ત્યારે તમે પણ સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય હતા અને હાલ ચેરમેન તરીકે ફરજ બજાવો છો. ચાર વર્ષે 45 લાખથી વધુના બીલ મંજૂર કરવા પાછળ કોની મેલી મુરાદ છે તેવો સવાલ ખુદ ભાજપના નગરસેવકોએ પદાધિકારીઓ સામે ઉઠાવતા થોડીવાર માટે સન્નાટો વ્યાપી જવા પામ્યો હતો. જો કે, વિરોધ અને ઉગ્ર માથાકૂટ વચ્ચે સંકલન અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં વિવિધ કાર્યક્રમો માટે થયેલો રૂા.71.76 લાખનો ખર્ચ મંજૂર કરી દેવામાં આવ્યો હતો.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં સુજલામ્-સુફલામ્ જળ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમોમાં ચૂકવેલ ખર્ચ બહાલ રાખવા તથા ચૂકવવાનો બાકી ખર્ચ રૂા.33.48 લાખ મંજૂર કરવા, તા.22-10-2018થી તા.30-10-2018 દરમિયાન યોજાયેલી એકતા રથયાત્રા અને 31-10-2018ના રોજ રેસકોર્સ ખાતે યોજાયેલી રન ફોર યુનિટીના કાર્યક્રમમાં થયેલો રૂા.12.41 લાખનો ખર્ચ મંજૂર કરવા, તા.8-1-2020ના રોજ યોજાયેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં થયેલો રૂા.2.94 કરોડનો ખર્ચ મંજૂર કરવા, પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમમાં થયેલો રૂા.18.03 લાખનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત મૂકવામાં આવી હતી.
જે સંદર્ભે સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય નેહલભાઈ શુકલએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે, કાર્યક્રમ પૂર્ણ થયાના ચાર વર્ષે ખર્ચ મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત મૂકવા પાછળનો આશ્રય શું છે. સામાન્ય રીતે ખર્ચ મંજૂરી અંગેનો નિર્ણય 6 માસની અંદર લેવાઈ જતો હોય છે. પરંતુ ચાર વર્ષ પૂર્વે યોજાયેલા કાર્યક્રમોમાં થયેલો અડધા કરોડનો ખર્ચ મંજૂર કરવાની દરખાસ્ત હવેછેક મુકવામાં આવતા અનેક સવાલો સર્જાયા છે. આખી બોડી ફરી ગઈ છે. છતાં ચાર વર્ષે ખર્ચ મંજૂરીની દરખાસ્ત મુકવાની અધિકારીઓની હિંમત સામે પણ નગરસેવકોએ સવાલો ઉઠાવ્યા હતા.
આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં તમામ 34 દરખાસ્તોને મંજૂરીની મહોર મારી રૂા.4 કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી છે.
ભૂગર્ભ ફરિયાદ નિકાલના કામમાં 19 ટકા અને ગાર્ડનમાં મટીરીયલ સપ્લાય કરવાના કામમાં 33 ટકાની તગડી ઓન
મહાપાલિકામાં એકપણ કામ જાણે ઓન ચૂકવ્યા થતું ન હોય તેવું લાગી રહ્યું છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં શહેરના વોર્ડ નં.15માં પ્રાઈવેટાઈઝેશનથી ભૂગર્ભ ગટર નિકાલનો કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી. જેમાં 19 ટકાની તગડી ઓન ચૂકવવામાં આવી છે. આ કામ શાહિદ ક્નસ્ટ્રકશનને આપવામાં આવ્યું છે અને રૂા.28.36 લાખ મંજૂર કરાયા છે. ગત વર્ષે એક જ વોર્ડમાંથી 22561 ડ્રેનેજની ફરિયાદો નોંધાઈ હતી. બીજી તરફ બગીચા શાખા માટે મેળવવાના થતાં મટીરીયલ્સ અને અન્ય ઝોનલ કામગીરી માટે ત્રણેય ઝોનનો કોન્ટ્રાકટ પણ 33 ટકાની તગડી ઓન સાથે આપવામાં આવ્યો છે. જેમાં ઈસ્ટ ઝોનનો કોન્ટ્રાકટ જય ક્નસ્ટ્રકશન અને વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનનો કોન્ટ્રાકટ સોમનાથ એન્ટરપ્રાઈઝને આપવામાં આવ્યો છે.