રાજકોટમાં દિન પ્રતિદિન સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મેયર ડો. પ્રદિપ ડવની સુચના બાદ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા આવતીકાલથી શહેરના 150 ફુટ રીંગ રોડ પર કે.કે.વી. સર્કલ અને રૈયા ચોકડી ખાતે બે નવા ટેસ્ટીંગ બુથ શરુ કરવામાં આવશે.
આ અંગે વધુ માહીતી આપતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. લલીત વાઝાએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસ વધતા મહાપાલિકા દ્વારા થોડા સમય પહેલા બસ સ્ટેશન, એરપોર્ટ અને રેલવે સ્ટેશન ખાતે 3 ટેસ્ટીંગ બુથ શરુ કરવામાં આવ્યા છે.
દરમિયાન કોરોનાનું સંક્રમણ વધતા મેયર ડો. પ્રદિપ ડવ દ્વારા સુચના આપવામાં આવતા આવતી કાલ શનિવારથી શહેરના કાલાવડ રોડ અને 1પ0 ફુટ રીંગ રોડ પર કે.કે.વી. ચોક અને રૈયા ચોકડી ખાતે ફરી બે ટેસ્ટીંગ બુથ શરુ કરવામાં આવશે. અને આગામી દિવસોમાં જરુર જણાશે તો વધુ ટેસ્ટીંગ બુથ શરુ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસોમાં વધારો થતા કોર્પોરેશન દ્વારા 11 સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરુ કરવામાં આવ્યા હતા. જો કે કોર્પોરેશનની ચુંટણી પૂર્વ આ બુથો બંધ કરી દેવામાં આવ્યા હતા. હવે ફરી ટેસ્ટીંગ બુથ શરુ કરવાની ફરજ પડી છે.