આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું સંજીવની રથ મારફત નિયમિત ચેકઅપ
કોરોનાની વૈશ્વિક મહામારી અનુસંધાને વાયરસના સંક્રમણની કડી તોડવા માટે શરદી તાવના દર્દીઓને શોધી તેઓના ટેસ્ટ કરવા અત્યંત આવશ્યક હોઈ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સૌથી મહત્વની બાબત એ છે, સાવ સામાન્ય લક્ષણ ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓને મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી રહેલી હોમ આઈસોલેશનની નિ:શૂલ્ક સેવા. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 75 સંજીવની રથથી લોકોને સેવા આપવામાં આવી રહી છે જેના મારફતથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓનું નિયમિત ચેકઅપ કરવામાં આવે છે. જેમાં દર્દીનું ઓક્સિજન લેવલ, ટેમ્પરેચર, પલ્સ જેવી ચકાસણી કરવામાં આવે છે. જો દર્દીને વધુ સારવારની જરૂરિયાત જણાય તો તુર્ત જ 108ને બોલાવીને દર્દીને હોસ્પિટલ ખાતે ખસેડવાની કામગીરી પણ સંજીવની રથ કરી આપે છે. સારવાર હેઠળ રહેલા દર્દીને નિયમિત ટેલીફોનીકથી મોનિટરિંગ કરવામાં આવે છે સાથોસાથ શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રાખવામાં આવે છે. જો કોઇ દર્દીને તકલીફ જણાય તો તાત્કાલિક વધુ સારવારની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા ખાતે સ્પેશિયલ કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે જ્યાંથી હોમ આઇસોલેશન સારવાર હેઠળ રહેલા દર્દીઓની દરરોજ ટેલીફોનીક સંભાળ લેવામાં આવે છે, જરૂર જણાય તો સંજીવની રથ દ્વારા તુર્ત જ દર્દીના ઘરે જઈને ચેકઅપ કરવામાં આવે છે. હોમ આઇસોલેશન માટે મહાનગરપાલિકાના આશરે 30થી વધુ કર્મચારીઓ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જેમાંથી 175 જેટલા આરોગ્ય કર્મીઓ સંજીવની રથ સાથે સતત ફિલ્ડમાં ફરજ બજાવે છે અને 125 લોકો કંટ્રોલરૂમ ખાતે ટેલીફોનીક સંભાળ લેવાની કામગીરી બજાવે છે.
સંજીવની રથ સાથે જરૂરી મેડીકલ ટીમ પણ રાખવામાં આવી છે જેમાં મેડીકલ, પેરામેડીકલ સ્ટાફ રાખવામાં આવે છે. મહાનગરપાલિકા દ્વારા સંજીવની સેવા રથની મદદથી હોમ આઇસોલેશન સારવાર વિનામુલ્યે આપવામાં આવે છે. કોરોના પોઝિટિવ દર્દીને ગભરાવાની જરૂર નથી, મનપા દ્વારા નિયમિત સંભાળ લેવામાં આવે છે. તેઓને વિનામૂલ્યે તમામ સારવાર અને સહયોગ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રાપ્ત થઇ રહયો છે.
હોમ આઈસોલેશનમાં રહેલા દર્દીઓની સારવાર અને મોનિટરિંગ માટે મહાનગરપાલિકા ખાતે ખાસ કંટ્રોલ રૂમ (ફોન નંબર-0281 2220600, 2223842) સવારે 08:00 વાગ્યથી રાતના 08:00 વાગ્યા સુધી ચલાવવામાં આવી રહયો છે. હોમ આઈસોલેટ થયેલા દર્દીઓને મનપાના આરોગ્ય કેન્દ્રો અને સંજીવની રથના માધ્યમથી ક્ધસલ્ટેશન, ચેકિંગ, દવા અને મોનિટરિંગની સેવા તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. મનપાના કંટ્રોલરૂમ દ્વારા ટેલીફોનિક અને રૂબરૂ પણ આ દર્દીઓની નિયમિત સમયાંતરે ખબરઅંતર પૂછવામાં આવે છે અને દર્દીને સ્વાસ્થ્ય સંબંધી જો કોઈ મુશ્કેલી હોય તો તેનું ફોલોઅપ કરવામાં આવે છે.