સાધુ વાસવાણી રોડ પર ઢોર પકડતા સ્ટાફનો પીછો કરતા બે શંકાસ્પદ શખ્સોને દબોચી લીધા
રખડતા ઢોરના ત્રાસ સામે હાઈકોર્ટે લાલ આંખ કરી તંત્રને ટકોર કરતા ઢોર પકડવાની કામગીરી વેગવંતી બનાવી છે. તો તેનું સામે માલધારી દ્વારા ઢોર પકડતી પાર્ટી પર હુમલાના બનાવ પણ વધ્યા છે. જેમાં રાજકોટમાં ઢોર પકડતા ટ્રેકટરના ડ્રાઈવર અને મનપાના કર્મચારી પર બે શખ્સોએ મીચી સ્પ્રે છાટ્યો હતો જેમાં થોરાળા પોલીસે એક શખ્સને દબોચી લઈ અન્યની શોધખોળ હાથધરી છે. તો બીજી તરફ સાધુ વાસવાણી રોડ પર ઢોર પકડવા ગયેલા સ્ટાફનો પીછો કરતા બે શકમંદોને દબોચી પોલીસ હવાલે કરવામાં આવ્યા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટમાં ઢોર પકડવાની કામગીરી પુર જોશમાં ચાલી રહી છે ત્યારે માલધારી અને મનપાના સ્ટાફ વચ્ચે અનેકવાર ઘર્ષણ થતું હોવાનું સામે આવે છે. એવી જ રીતે થોરાળા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી પાર્ટીના ટ્રેકટરના ડ્રાઈવર મેરૂભાઇ અને લેબર ધીરુભાઈ પર અમૂલ સર્કલ પાસે આંખમાં મીચી સ્પ્રે છાંટી બે શખ્સો નાસી ગયા હતા.
મીચી સ્પ્રે છાંટતા બંને કર્મીઓની આંખમાં બળતરા થતા જ તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ થોરાળા પોલીસ મથકના પીએસઆઈ પી.એન.ત્રિવેદી સહિતના સ્ટાફ સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ હાથધરી હતી. જેમાં પોલીસે કણકોટ મેઇન રોડ પર પંચશીલ નગરમાં રહેતા અભિષેક દિલીપ વાળા નામના શખ્સને દબોચી લીધો હતો.
પોલીસે આરોપીની પૂછતાછ કરતાં અભિષેક વાળાએ જણાવ્યું હતું કે તેના આશિષ પટેલ નામનો મિત્ર માલઢોર રાખતો હોય જેથી તેના કહેવાથી જ અભિષેક તેની પાછળ બાઈક પર બેસીને ગયો હતો અને પોતે જ મનપાના કર્મચારી પર મીચી સ્પ્રે છાટયો હતો. પોલીસે અભિષેકને દબોચી આશિષ પટેલ નામના શખ્સની શોધખોળ હાથધરી છે.
તો અન્ય બનાવમાં સાધુ વાસવાણી રોડ પર ઢોર પકડવા ગયેલી ટીમનો બે અજાણ્યા શખ્સો નંબર પ્લેટ વગરની બાઈક પર શંકાસ્પદ હાલતમાં પીછો. કર્તહોય જેને દબોચી યુનિવર્સિટી પોલીસ મથકના સ્ટાફને સોંપી દેવામાં આવ્યો હતો.