વિજિલન્સ ટીમને જોતા પશુપાલક યુવાન ભાગવા જતા સ્કૂટર સ્લીપ થતાં ઘવાયો: અધિકારી
રાજકોટમાં શીતલ પાર્ક વિસ્તાર પાસે મનપાની ટીમે એક માલધારી યુવાનને માર માર્યાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે વિજિલન્સ ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે ઢોર પકડવા આવેલા સ્ટાફને જોતા યુવાન ભાગવા ગયો હતો અને સ્કૂટર સ્લીપ થતાં તેને ઇજા પહોંચી હતી.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રમમાં અક્ષરનગર રોડ પર રહેતા આલોક ભરતભાઈ ધોળકિયા નામનો ૨૦ વર્ષનો માલધારી યુવાન ગઇ કાલે સાંજે ભાઈને પૈસા આપવા માટે જતો હતો ત્યારે આર.એમ.સી.ના અજાણ્યા કર્મચારીઓએ તેને બોલેરોથી પાછળથી ઠોકર મારી પછાડી દઇ માર માર્યાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ આ મામલે મનપાની પ્રાણી રંજાડ અંકુશ શાખાના અધિકારીએ જણાવ્યું હતું કે શિતલ પાર્ક મેઇન રોડ પર એરપોર્ટની પાછળ રખડતા પશુઓની ખુબ ફરિયાદ છે અને સ્ટાફ ત્યાં જાય એટલે કેટલાક શખ્સો વાહન લઈને ગાયો હાંકીને ભગાડી દેતા હોય છે. આવી જ પેરવી યુવાન કરી રહ્યો હતો તેવામાં સ્ટાફ પહોંચતા તે ગભરાઈને ભાગ્યો હતો તેમાં તેનું સ્કૂટર સ્લીપ થતા પડી ગયો હતો. તે દરમિયાન આર.એમ.સી.સ્ટાફ ઊભો કરે ત્યાં તે ફરી ભાગ્યો અને જેથી રોડ પર અન્ય મહિલા સ્કૂટરચાલક સાથે અથડાયો હતો. આ રીતે ઘાયલ થતા સ્ટાફે માનવતા ખાતર તેને હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
સિવિલ હોસ્પિટલ ખાતે ઘાયલ યુવાન પહોંચતા તેના પર ઢોર પકડ પાર્ટીના સ્ટાફે માર માર્યાનો આક્ષેપ કરતા માલધારી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઇ ગયા હતા. તો બીજી તરફ વિજિલન્સ સ્ટાફે શખ્સ સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથઘરી છે.