અબતક,રાજકોટ
રાજકોટની માધાપર ચોકડી પાસે મોડીરાત્રે નવા બની રહેલા બ્રિજનું કાચુ બાંધકામ નમીને ધરાશાયી થયું હતું. બ્રિજ નીચે પડતા બે શ્રમિકોને ઇજા પોહ્ચ્તા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જો બ્રિજ બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઈવે પર પડ્યો હોત તો હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર થતી હોવાથી મોટી દુર્ઘટના સર્જાત પરંતુ મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી. બ્રિજનું કાચુ બાંધકામ નમી પડતા રાતોરાત અધિકારીઓ દોડી ગયા હતા અને જેસીબી સહિત મશીનરીથી બાંધકામ સરખું કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.
મોડી રાત્રે સ્રજાયી દુર્ઘટના : હાઇવે પર પડ્યો હોત તો મોટી જાનહાની સર્જાત
બનાવની મળતી માહિતી મુજબ માધાપર ચોકડી પર નવો બનતો બ્રિજના મેઇન પિલરો રાત્રીના સમયે નમી પડ્યા હતા. અને રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા.
રાતોરાત અધિકારીઓ દોડી જઈ બાંધકામને સરખું કરાવાયું
આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી.માધાપર ચોકડી પાસે નવા બનતા બ્રિજનું બાંધકામ ધરાશાયી થતા લોકોમાં અનેક સવાલો ઉઠ્યા છે. આખરે નવા બનતા બ્રિજનું બાંધકામ ધારાશાયી થતા ક્યારે અટકશે તેવો સવાલ ઉઠ્યો છે. ઉલ્લેખનીય છે કે આજે જ રાજકોટમાં એક નવા બ્રીજને લોકો માટે ખુલ્લું મુકવામાં આવવાનું છે ત્યારે બીજી તરફ બ્રિજ ધરાશાયી થવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે