માધાપર બ્રિજ દશેક દિવસમાં ખુલ્લો મુકાઈ જશે પણ કમનસીબે સર્વિસ રોડ બંધ જ રહેશે. કારણકે ગાંધી સોસાયટીની જમીન સંપાદન પ્રક્રિયામાં વળતર જાહેર ન થતા સર્વિસ રોડ બંધ કરી પ્રવેશવાની મનાઈ ફરમાવતું બોર્ડ લગાવી દેવાયુ છે.
માધાપર ચોકડી જામનગર અને મોરબી તરફથી આવતા વાહનો માટે પ્રવેશદ્વાર છે. અહીં બ્રિજની કામગીરી ગોકળગતિએ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. અંતે આ બ્રિજની કામગીરી અંદાજે દશેક દિવસમાં પૂર્ણ થવાની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેવામાં એક પ્રશ્ન હજુ પણ સતાવવાનો છે. અહીં એક તરફનો જે સર્વિસ રોડ છે. તેને બંધ કરી દેવામાં આવ્યો છે અને હજુ જ્યાં સુધી સંપાદનનું ગુંચવાયેલું કોકડું નહિ ઉકેલાય ત્યાં સુધી આ સર્વિસ રોડ બંધ જ રહેશે.
ગાંધી સોસાયટીની જમીન સંપાદન પ્રક્રિયામાં વળતર જાહેર ન થતા સર્વિસ રોડ બંધ કરી પ્રવેશવાની મનાઈ ફરમાવતું બોર્ડ લગાવી દેવાયુ
માધાપર બ્રિજમાં ગાંધી સોસાયટીનો કોમન પ્લોટ અને 1થી 4 નંબરના પ્લોટની સંપાદન પ્રક્રિયા હાલ ચાલી રહી છે. 55 વર્ષ જૂની આ સોસાયટીનું વળતર કેને દેવું તે પણ પ્રશ્ન ઉઠ્યો હતો. જો કે બાદમાં સોસાયટીના નામનું વળતર દેવાની તંત્રએ વાત કરી હતી. સંપાદન થઈ રહી છે તે જગ્યા 1600 ચો.મી.છે. જો કે આ જગ્યાનું વળતર હજુ જાહેર થયું ન હોય સોસાયટી વાળાએ સર્વિસ રોડ ઉપર પતરાની આડસ મૂકી દીધી છે. જ્યાં પ્રવેશવાની મનાઈ ફરમાવતું બોર્ડ પણ મૂકી દેવામાં આવ્યું છે. સોસાયટીનું કહેવું એવું છે કે વળતર હજુ મળ્યું નથી. તંત્ર એમ કહે છે કે ગાંધીનગર ફાઇલ મોકલી છે. બીજી તરફ આખો બ્રિજ બનવાની તૈયારી છે. છતાં ગાંધીનગરથી સંપાદનનું જાહેરનામું બહાર પડ્યું નથી. આમ આ વિવાદથી લાંબો સમયથી સર્વિસ રોડ બંધ રહે તેવી શકયતા સેવાઈ રહી છે.