રાત્રીનાં અડધો કલાક સુધી લુખ્ખા તત્વોએ ધોકા પાઈપ સાથે વાહનોમાં તોડફોડ કરી; રાહદારીઓને વગરવાંકે ગાળો દઈ ધોકા-પાઈપ ઝીંકયા; સી.સી.ટીવી ફૂટેજના આધારે પોલીસે કોમ્બીંગ કરી પાંચ સગીર સહિત આઠેય શખ્સોને ઝડપી લઈ ‘ખાખી’નો સ્વાદ ચખાડયો; ગુનો નોંધવા તજવીજ
રાજકોટ શહેરમાં ‘ખાખી’નો ખોફ સાવ ઓસરી ગયો છે. લુખ્ખા તત્વોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તે રીતે બેફામ વર્તી રહ્યા છે. ત્યારે જંકશન પ્લોટ વિસ્તારમાં મધરાત્રે બાઈકમાં નીકળેલી લવર મુછીયા ગેંગે આતંક મચાવી ધોકા પાઈપ જેવા હથીયારો સાથે સરાજાહેર તોડફોડ કરી શેરીમાં પડેલા અનેક વાહનોના કાચ ફોડી નાખી રાહદારીઓને વગર વાંકે બેફામ ગાળો દઈ એક મહિલાને પાઈપ વડેમારમારી ઈજા કરી સમગ્ર વિસ્તારને અડધો કલાક સુધી બાનમાં લીધો હતો. આ ઘટનાના ઘેર પ્રત્યાઘાત પડયાબાદ મોડીરાત્રે સફાળી જાગેલી પોલીસે એકશનમાં આવી પાંચ સગીર બાળકો સહિત લવરમુંછીયા ગેંગના આઠ શખ્સોની ધરપકડ કરી તેમને ખાખીનો સ્વાદ ચખાડી શાન ઠેકાણે લેવી દીધી હતી. અને તમામ શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના અંગેની જાણવા મળતી વિગત મુજબ જંકશન પ્લોટ મેઈન રોડ કોલસાવાડી વિસ્તારમા ગતરાત્રે 9.30 થી 10ના સુમારે પોલીસ તંત્રની જાણે કાષઈ ધાક જ ન હોય તે રીતે લુખ્ખા તત્વોની ગેંગ બાઈક અને એકટીવામાં ધોકા પાઈપ સાથે બજારમાં ઉતરી પડયા હતા.લવરમૂછીયા ગેંગ દ્વારા શેરીમાં પડેલા વાહનમાં ધોકા પાઈપના ઘા ઝીંકી કાચ ફોડવાનું શરૂ કરી દઈ અનેક કાર અને બાઈકના કાચ તોડી નાખી વિકૃત આનંદ લીધો હતો.ત્યારબાદ લુખ્ખા તત્વોએ જંકશન મેઈનરોડ પર ધૂમ સ્ટાઈલે બાઈક એકટીવા ચલાવી રાહદારીઓને વગર વાંકે બેફામ ગાળો ભાંડી હતી અને રાહદારીઓને વગર વાંકે ચાલુ બાઈકે ધોકા, પાઈપના ઘા ઝીંકી રીતસર ભયનું વાતાવરણ સર્જી દીધું હતુ.
અડધો કલાક સુધી જંકશન વિસ્તારને બાનમાં લઈ લવરમુછીયા ગેંગ દ્વારા અનેક રાહદારીઓને ધોકા પાઈક ઝીંકી દીધા હતા જેમાં એક રાહદારી મહિલાને મોઢા પર ઈજા પહોચી હતી.આ ઘટનાની પોલીસ કંટ્રોલરૂમને કોઈએ જાણ કરતા ઘોડા છૂટ્ટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળેલી પોલીસે જંકશન વિસ્તારમાં ઘસી ગઈ હતી.આ બનાવની જાણ થતા પ્ર.નગર પી.આઈ. એલ.એલ. ચાવડા ઘટના સ્થળે ઘસી જઈ સી.સીટીવી ફૂટેજ મેળવી અલગ અલગ ટીમો બનાવી લુખ્ખા તત્વોને ઝડપી લેવા કોમ્બીંગ કર્યું હતુ.
જેમાં પોપટપરા વિસ્તારમાં રહેતા આશીફ દાઉદ મોડ ઉ.20 શિવદત રાજુ જોષી ઉ.19 અને કિશન મનુ રાણા ઉ.23ની ધરપકડ કરી પ્લાસ્ટીકના પાઈપ અને બે બાઈક કબ્જે કર્યા હતા.પોલીસની પૂછપરછમાં લવરમુછીયા ગેંગમાં કાયદાના સંઘર્ષમાં આવેલા 14 થી 16 વર્ષનાં બીજા પાંચ શખ્સો પણ સંડોવાયેલ હોય તેઓની પણ અટકાયત કરી આવી ગેંગને ખાખીનો સ્વાદ ચખાડી શાન ઠેકાણે લાવી દીધી હતી. આ ઘટના સંદર્ભે પોલીસે ભોગ બનનારાઓને પોલીસ મથકે બોલાવી ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
લવરમુછીયા ગેંગે નશામાં ધમાલ મચાવ્યાની શંકા
જંકશન પ્લોટ વિસ્તારને મધરાત્રે બાનમાં લઈ આતંક મચાવનાર લવરમુછીયા ગેંગે ધાક જમાવવા અને સીન સપાટા કરવા આવું કૃત્ય કયુર્ં હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપીછે. ત્યારે લવરમુછીયા ગેંગે કોઈ નશાનું સેવન કર્યું હતુ કે કેમ તે જાણવા તમામ શખ્સોના મેડીકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે.