રાજકોટ મેયર ઇલેવનએ અંતિમ નવ વિકેટો માત્ર 41 રનમાં ગુમાવી દેતા જીતેલી બાજી હારી ગયું

વડોદરા મહાનગર પાલિકાની યજમાનીમાં રમાઇ રહેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં રાજકોટ મેયર ઇલેવનનો વડોદરા મેયર ઇલેવન સામે 17 રને પરાજય થયો છે. અંતિમ નવ વિકેટો માત્ર 41 રનમાં ગુમાવી દેતા રાજકોટ જીતેલી બાજી હારી ગયું હતું.

શનિવારે રમાયેલી પ્રથમ મેચમાં રાજકોટનો ગાંધીનગર મેયર ઇલેવન સામે શાનદાર વિજય થયો હતો. સુકાની પુષ્કર પટેલના 72 બોલમાં અણનમ 158 રનની મદદથી રાજકોટે બરોડા સામે 253 રનનો ઝુમલો ખડક્યો હતો. જેની સામે ગાંધીનગર મેયર ઇલેવન માત્ર 17 ઓવરમાં 96 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. દરમિયાન ગઇકાલે રમાયેલા સેમિફાઇનલ મેચમાં વડોદરાની ટીમે પ્રથમ બેટીંગ કરતા 19.5 ઓવરમાં 115 રન બનાવ્યા હતાં. રાજકોટવતી કેતન પટેલ, નિલેશ જલુ, બાબુ ઉધરેજાએ બબ્બે અને કાળુ આહિર તથા પુષ્કરભાઇ પટેલે એક-એક વિકેટો ઝડપી હતી. 116 રનના લક્ષ્યાંક સામે મેદાનમાં ઉતરેલી રાજકોટ મેયર ઇલેવને માત્ર 6.5 ઓવરમાં એક વિકેટના ભોગે 57 રન બનાવી લેતા વિજય નિશ્ર્ચિત જણાતો હતો

પરંતુ આ સ્કોર પર સુકાની પુષ્કર પટેલ 28 રન બનાવી આઉટ થયા બાદ ટીમનો ધબડકો થઇ ગયો હતો. 6.5 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવનાર રાજકોટ મેયર ઇલેવન 15.3 ઓવરમાં 98 રને ઓલ આઉટ થઇ ગઇ હતી. બરોડા ઇલેવનનો 17 રને શાનદાર વિજય થયો હતો. આ ઉપરાંત કમિશનર ઇલેવને પણ પોતાના પ્રથમ મેચમાં ગાંધીનગરને પરાજય આપ્યો હતો. જ્યારે સેમિફાઇનલમાં બરોડા કમિશનર ઇલેવન સામે રાજકોટ કમિશનર ઇલેવનનો 58 રને પરાજય થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.