પરિવારની નજર સામે જ ઉંડા પાણીમાં ગરક થયા: ફાયર બ્રિગેડના તરવૈયાએ બંને મૃતદેહ ડેમમાંથી બહાર કાઢયા એક વર્ષ પહેલાં પિતાના મોત બાદ જુવાનજોધ બે પુત્રના અપમૃત્યુથી માતા નોધારી બનતા પરિવારમાં અરેરાટી
શહેરના લક્ષ્મીવાડીના શ્યામ એપાર્ટમેન્ટનો સોની પરિવાર ૧૫ ઓગસ્ટની રજાના કારણે ન્યારી ડેમ ફરવા ગયા બાદ ડેમના પાણીમાં સેલ્ફી લેવા જતા બે યુવાનો ઉંડા પાણીમાં ગરક થતા જીવ ગુમાન્યો છે. એક વર્ષ જ પિતાના મોત બાદ જુનાવજોધ બે પુત્રના મોતથી વિધવા માતા નોધારા બનતા પરિવારમાં કણાંતિકા સાથે અરેરાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ લક્ષ્મીવાડી શેરી નંબર ૯-૧૦ના ખૂણે આવેલા શ્યામ એપાર્ટમેન્ટમાં રહેતા અંકિત ગીરીશભાઇ પાટડીયા (ઉ.વ.૨૬) અને તેના નાનો ભાઇ રવિ ગીરીશભાઇ પાટડીયા (ઉ.વ.૨૪) ન્યારી ડેમમાં ડુબી જતા બંનેના મોત નીપજ્યા છે.
૧૫ ઓગસ્ટની જાહેર રજા હોવાથી સોની પરિવાર ન્યારી ડેમ ફરવા માટે ગયા હતા. ન્યારી ડેમના પાણીમાં રવિ પાટડીયા પોતાના મોબાઇલમાં સેલ્ફી લેવા ગયો ત્યારે તે ડુબતા તેને બચાવવા માટે અંકિત પાટડીયા પણ પાણીમાં પડયો હતો બંનેને તરતા આવડતું ન હોવાથી ડુબવા લાગતા પરિવારજનોમાં દોડધામ થઇ ગઇ હતી.
એક સાથે બે યુવાન ડુબતા ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરવામાં આવી હતી અને ત્યા ફરવા આવેલા કેટલાક યુવાનોએ બચાવવા પ્રયાસ કરી બંનેને ડેમમાંથી બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડયા હતા જ્યાં બંનેના મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ હતું.
રવિ અને અંકિત પાટડીયાના મોત થયાની જાણ સગા-સંબંધીઓમાં થતા મોટી સંખ્યામાં હોસ્પિટલ એકઠા થયા હતા. એક વર્ષ પહેલાં જ ગીરીશભાઇ પાટડીયાના મોત બાદ તેના બે પુત્રના એક સાથે મોત નીપજતા વિધવા માતા નોધારા બનતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ ગઇ છે. મૃતક રવિ અને અંકિત પાટડીયા સોની કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું જાણવા મળે છે.