મતદાન કરનારા ૧૧,૮૯,૭૧૧ મતદારો પૈકી ૮,૮૩,૫૮૮ મતદારોએ વોટર આઇડી કાર્ડનો ઉપયોગ કર્યો
૧૦-રાજકોટ લોકસભાની બેઠક ઉપર ગત્ત તારીખ ૨૩ એપ્રિલના રોજ મતદાન પ્રક્રીયા શાંતિ અને સુચારૂ રીતે પૂર્ણ થઇ. મતદાન કરતી વેળાએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવામાં મતદારોને કોઇ તકલીફના પડે એ માટે ચૂંટણી પંચ દ્વારા મતદાતા ઓળખપત્ર સિવાયના અન્ય ૧૧ ઓળખપત્રો માન્ય રાખવામાં આવ્યા હતા. રાજકોટ બેઠક માટે ૨,૫૪,૫૩૯ મતદારોઓ મતદાન મથકે પોતાના આધારકાર્ડનો ઉપયોગ કરીને મતદાન કર્યું હતું. જ્યારે૮,૮૩,૫૮૮ મતદારોએ વોટર આઇડી કાર્ડના આધારે મતદાન કર્યું હતું.
રાજકોટ બેઠકના મતદારોએ ક્યાં ઓળખકાર્ડના આધારે મતદાન કર્યું તેના રસપ્રદ આંકડા પ્રાપ્ત થયા છે. તેના પર દ્રષ્ટિપાત કરીએ તો એવું ફલિત થાય છે કે વોટર આઇડી કાર્ડ પછી મહત્તમ મતદારોએ આધારકાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સનો મતદાન કરવા માટે ઉપયોગ કર્યો છે. વિધાનસભા બેઠક પ્રમાણે આધારકાર્ડના મતદારો દ્વારા ઉપયોગના આંકડા જોઇએ તો ૨૭,૬૦૨, વાંકાનેરમાં ૩૬,૭૭૯, રાજકોટ ઇસ્ટમાં ૩૪,૮૮૮, રાજકોટ વેસ્ટમાં ૪૦,૫૫૬, રાજકોટ સાઉથમાં ૩૨,૫૩૩, રાજકોટ ગ્રામ્યમાં ૩૯,૦૩૮ અને જસદણમાં સૌથી વધુ ૪૩,૧૪૩ મતદારોએ આધાર કાર્ડનો ઉ૫યોગ કર્યો હતો.
એ જ પ્રમાણે ડ્રાઇવિંગ લાયસન્સનો ઉ૫યોગ કરનારા મતદારોના આંકડા આ પ્રમાણે છે. ૩,૧૦૬, વાંકાનેરમાં ૩,૪૨૪, રાજકોટ ઇસ્ટમાં ૫,૪૮૭, રાજકોટ વેસ્ટમાં ૯,૦૪૩, રાજકોટ સાઉથમાં ૭,૧૬૯, રાજકોટ ગ્રામ્યમાં ૫,૯૭૬ અને જસદણમાં ૨,૮૨૭ મતદારોએ ડ્રાઇવિંગ લાયસન્સનો ઉપયોગ કર્યો હતો.
રાજકોટ બેઠક ઉપર ૫૩૬ મતદારોએ પાસપોર્ટ, ૧૧૯૩ મતદારોએ તેમને મળેલા સરકારી ઓળખપત્ર, ૩૩૨ મતદારોએ ફોટાવાળી બેંક પાસબૂક, ૧૨,૧૧૮ મતદારોએ પાનકાર્ડ, ૯૧ મતદારોએ સ્માર્ટ કાર્ડ, ૫૩ મતદારોએ મનરેગા જોબકાર્ડ, ૧૭૦ મતદારોએ શ્રમવિભાગના વીમાકાર્ડ, ૫૭ મતદારોએ પેન્શન દસ્તાવેજો અને બે મતદારોએ એમપી/એમએલએ કાર્ડનો ઉપયોગ કરી મતદાન કર્યું હતું. અત્રે નોંધવુ જરૂરી છે કે આ બેઠક ઉપર ૧૮,૮૩,૮૬૬ મતદારો પૈકી ૧૧,૮૯,૭૧૧ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.