લોકમેળામાં દર વર્ષની પરંપરા આ વર્ષે પણ અકબંધ રહી

86 જેટલા વેપારીઓએ 44 પ્લોટની હરરાજી શરૂ થાય તે પહેલાં જ માંગણીનું લિસ્ટ આપી કહ્યું પહેલા માંગણી સંતોષો બાદમાં હરરાજી માટે બોલી બોલીશું

મેળાને એક દિવસ લંબાવવો, રાઈડની ટિકિટના રૂ. 40ના બદલે 50 કરવા, મેળાનો સમય રાત્રે 10ની બદલે 12 કરવો અને પાથરણા વાળા નડતરરૂપ ન થાય તેવા પગલાં લેવા સહિતની માંગ ઉઠાવતા રાઈડ સંચાલકો

લોકમેળામાં દર વર્ષની પરંપરા આ વર્ષે પણ અકબંધ રહી છે. રાઈડ સંચાલકોએ આ વખતે પણ પોતાની માંગણીઓ મુકીને તંત્ર સામે લડત આરંભી છે. જો કે આ વખતે રાઈડ સંચાલકોએ એન્ડ ટાઇમે હરરાજી શરૂ થાય તેની મિનિટો પૂર્વે જ પોતાની માંગણીઓ મૂકીને પહેલા તેને સંતોષવામાં આવે બાદમાં જ હરાજીમાં ભાગ લેશું તેવું કહીને હરજીનો બહિષ્કાર કરી દીધો છે.

રાજકોટના રેસકોર્ષના મેદાનમાં તા.5થી 9 સપ્ટેમ્બર દરમિયાન રસરંગ મેળો યોજાનાર છે. જેના માટે સિટી-1 પ્રાંત અધિકારી કે.જી ચૌધરીની અધ્યક્ષતામાં લોકમેળા અમલીકરણ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં આજ રોજ યાંત્રિક રાઈડ માટેના 44 પ્લોટની હરાજી ગોઠવવામાં આવી હતી.

સિટી-1 પ્રાંત કે.જી.ચૌધરી વિરાણી અપીલને બોર્ડમાં રોકાયેલ હોય, સિટી-2 પ્રાંત સંદીપ વર્મા અને ગ્રામ્ય પ્રાંત વિવેક ટાંક દ્વારા આજે 44 પ્લોટ માટેની હરાજી યોજવામાં આવી હતી. આ પ્લોટ માટે ફોર્મ ભરનાર 86 જેટલા રાઈડ સંચાલકો આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આ રાઈડ સંચાલકોએ વિવિધ માંગણીઓ સાથેની યાદી રજૂ કરીને પહેલા તેને પુરી કરવામાં આવશે બાદમાં જ તેઓ હરાજીમાં ભાગ લેશે તેવું સ્પષ્ટ શબ્દોમાં કહી દેવામાં આવ્યું હતું.

રાઈડ સંચાલકો હારુનભાઇ શાહમદાર, ઝાકિરભાઈ બ્લોચ, અરવિંદસિંહ, યોગીરાજસિંહ, રાજભા અને ભરતભાઇ મકવાણા સહિતનાએ જણાવ્યું હતું કે આ રાઈડ બીજા રાજ્યમાંથી આવતી હોય, તેને લઈ આવવા તથા મુકવા જવાનું ટ્રાન્સપોર્ટ સહિતના અનેક ખર્ચાઓ વધી ગયા છે. આ ઉપરાંત પ્લોટની અપસેટ પ્રાઇઝમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેથી આ રાઈડનું ભાડું રૂ. 40ની બદલે 50 કરી આપવામાં આવે.

ઉપરાંત તેઓએ જણાવ્યું કે તા.10ના રોજ રવિવાર હોય રજાનો દિવસ હોવાથી મેળો એક દિવસ લંબાવીને 6 દિવસનો કરવામાં આવે. વધુમાં તેઓએ રાત્રીના 10ને બદલે 12 વાગ્યા સુધીનો સમય કરી આપવાની પણ માંગ ઉઠાવી છે. સાથે તેઓએ ડિપોઝીટ વહેલાસર પરત આપી દેવી  અને પાથરણાવાળા નડતરરૂપ ન બને તેના માટે પગલાં લેવાની પણ માંગ કરી હતી. જો કે હવે માંગણીને લોકમેળા અમલીકરણ સમિતિ સમક્ષ મુકવામાં આવશે. હવે સમિતિ શુ કરવું તે અંગે નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ અનેક વખત રાઈડ સંચાલકોએ મેળામાં હરાજીના બહિષ્કારની ચીમકીઓ ઉચ્ચારી છે. અગાઉ અનેક વખત લાંબો સમય સુધી તેઓએ લડત પણ ચલાવી છે. પણ અંતે તંત્ર અને રાઈડ સંચાલકો બન્ને સમાધાનકારી વલણ અપનાવી મામલો થાળે પાડી દયે છે.

ખાણી-પીણીના નાના 32 પ્લોટની સફળ હરરાજી, 24.56 લાખની આવક

ગઈકાલે સાંજે ખાણીપીણી કોર્નર બી-1 કેટેગરીના 32 પ્લોટની હરરાજી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં પ્લોટ માટે રૂ. 71 હજારથી લઈને રૂ.1.05 લાખ સુધીની બોલી લાગી હતી. આ પ્લોટથી લોકમેળા અમલીકરણ સમિતિને રૂ. 24.56 લાખની આવક થઈ છે. જેમાંથી એડવાન્સ પેટે રૂ. 6.40 હજાર સમિતિને મળી ગયા છે. હવે ધંધાર્થીઓને રૂ. 18.16 લાખની બાકી રકમ તા.17 સુધીમાં ભરવાની થશે.

ગઈકાલે ખાણીપીણીના 2 મોટા કોર્નર પ્લોટની હરરાજી પણ પડતી મૂકી દેવાઈ!

ગઈકાલે ખાણીપીણીના 2 મોટા કોર્નર પ્લોટની હરરાજી પડતી મૂકી દેવાઈ હતી. ફોર્મ ભરનાર 5 ધંધાર્થીઓ સવારે 11 વાગ્યે પહોંચ્યા ન હતા. મોડા પહોંચ્યા બાદ તેઓએ  પોતાની માંગણીઓ તંત્રના ધ્યાને મૂકી હતી. બાદમાં હરાજી સાંજ ઉપર ઠેલવાય હતી. જો કે સાંજે આ હરાજીમાં સરખા ભાવ બોલાતા ન હોય હરાજીને પડતી મુકવામાં આવી હતી. વધુમાં આ બન્ને પ્લોટથી 7 લાખ જેટલી આવક થઈ શકે તેવી તંત્રને આશા છે. પરંતુ તે પ્રમાણે તેમાં બોલી લાગી ન હતી. તેવું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.