કાલે લોકમેળા અમલીકરણ સમિતિની બેઠક: મેળાનું ઉદ્ઘાટન સવારે કરવું કે સાંજે તે અંગે નિર્ણય લેવાશે
રેસકોર્ષ મેદાનમાં લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. બીજી તરફ મુખ્યમંત્રીને મેળાને ખુલ્લો મુકવા માટે પધારવા ટેલિફોનિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં 05 થી 09 સપ્ટેમ્બર, 2023 એમ પાંચ દિવસ સુધી યોજાનારા આ મેળામાં ધંધો રોજગાર કરવા માટે 355 સ્ટોલ અને પ્લોટની ફાળવણી લોકમેળા સમિતિ દ્વારા કરવામાં આવી છે. જે પૈકી રમકડાના 178 સ્ટોલ, ખાણીપીણીના 14 સ્ટોલ, મધ્યમ ચકરડીના 04 પ્લોટ, નાની ચકરડીના 48 પ્લોટ ડ્રો સિસ્ટમથી ફાળવવામાં આવ્યા છે. જયારે ખાણીપીણીના 37 સ્ટોલ, યાંત્રિકના 44 પ્લોટ, આઈસ્ક્રીમના 16 પ્લોટ, ફૂટ કોર્ટના 03 પ્લોટ, 01 ટી કોર્નર પ્લોટ હરરાજીથી ફાળવવામાં આવ્યા છે.
લોકમેળામાં લોકોના મનોરંજન માટે વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે આકર્ષક ડોમની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. લોકમેળામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે 03 ડી.સી.પી., 10 એ.સી.પી., 28 પી.આઈ., 81 પી.એસ.આઈ., 1067 પોલીસ, 77 એસ.આર.પી. સહીત કુલ 1266 જેટલા પોલીસ સ્ટાફ તૈનાત કરાશે. આ ઉપરાંત 100 ખાનગી સિક્યોરીટી ગાર્ડ ફરજ બજાવશે. જનતાની સુરક્ષા માટે 18 વોચટાવર ઉપર સીસીસી ટીવી કેમેરાથી વોચ રખાશે. લોકોની સુરક્ષા માટે રસરંગ લોકમેળાનો રૂ. 4 કરોડનો વીમો પણ લેવામાં આવેલ છે.
હાલ આ લોકમેળાની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેદાનમાં રાઈડ ઉભી કરવામાં આવી રહી છે. આ સાથે સ્ટોલ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ લોકમેળાની આગળની તૈયારી માટે આવતીકાલે જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાવાની છે. મેળા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટેલીફોનિક નિમંત્રણ આપવામાં આવ્યું છે. હાલ સીએમઓ ઓફિસ તરફથી સત્તાવાર કનફોર્મેશ આપવામાં આવ્યું નથી. વધુમાં આવતીકાલની બેઠકમાં લોકમેળાને તા.5ના રોજ સવારથી ખુલ્લો મુકવો કે સાંજથી તે મામલે નિર્ણય લેવામાં આવશે.