17મીએ ચૂંટણી સત્તાધિકારી એવા સિટી-2 પ્રાંતને હાઇકોર્ટની તારીખ આવતા લેવાયો નિર્ણય : જૂની તારીખે અરવિંદ રૈયાણી પણ આવી શકે એમ ન હોય, તેઓએ તારીખ બદલવાના નિર્ણયને લઈને હરખ વ્યક્ત કર્યો
રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી પાછી ઠેલવાય છે. 17મીએ ચૂંટણી સતાધિકારી એવા સિટી-2 પ્રાંતને હાઇકોર્ટની તારીખ આવતા હવે ચૂંટણી 2 મેના રોજ યોજવાનો નિર્ણય લેવાયો છે. બીજી તરફ જૂની તારીખે અરવિંદ રૈયાણી પણ આવી શકે એમ ન હોય, તેઓએ તારીખ બદલવાના નિર્ણયને લઈને હરખ વ્યક્ત કર્યો છે.
અગાઉ કલેકટર તંત્ર દ્વારા એક જ દિવસે બે મોટી સહકારી સહકારી સંસ્થાની ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં રાજકોટ ડેરીની 12મીએ અને રા.લો. સંઘની 17મીએ ચૂંટણી યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ 12મીએ રાજકોટ ડેરીની ચૂંટણી પ્રક્રિયા સફળતા પૂર્વક સિટી 1 પ્રાંત ચૌધરી દ્વારા પુરી કરવામાં આવી હતી.
તે વખતે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી 17મીએ યોજી પ્રમુખ- ઉપપ્રમુખની વરણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ગોંડલ રોડ ઉપર આવેલ સંઘની ઓફિસ ખાતે સિટી- 2 પ્રાંતના અધ્યક્ષ સ્થાને વ્યવસ્થાપક સમિતિની બેઠક યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજકોટ જિલ્લાની સહકારી ક્ષેત્રની સંસ્થા રાજકોટ લોધિકા સહકારી સંઘની અઢી વર્ષથી મુદત પૂરી થઇ રહી હોવાથી ચૂંટણીની તૈયારી છેલ્લા ઘણા દિવસોથી શરૂ થઈ ગઈ હતી. કલેકટરના પ્રતિનિધિ તરીકે સિટી- 2 પ્રાંત અધિકારી સંદીપકુમાર વર્મા આ ચૂંટણી કરાવવાના છે.
આ સંઘની વ્યવસ્થાપક સમિતિના હોદેદારોની પ્રથમ ટર્મ તા.12 એપ્રિલ 2023ના પુરી થઇ રહી છે. બીજી ટર્મ માટે તા.13 એપ્રિલ 2023 થી 12 ઓક્ટોબર 2025 સુધી અઢી વર્ષ માટે સંઘના હોદેદારોની ચૂંટણી કરવા માટે ચૂંટણી સત્તાધિકારી રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. અને પ્રાંત અધિકારી, રાજકોટ શહેર-2,ના અધ્યક્ષ સ્થાને સંઘની વ્યવસ્થાપક સમિતિની બેઠક તા.17ને સોમવારે સવારે 11 કલાકે રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.ની રજી. ઓફિસ સહકાર બોમ્બે ગેરેજ પેટ્રોલ પમ્પ પાસે, ગોંડલ રોડ, રાજકોટ ખાતે રાખેલ હતી.
પરંતુ આજે બપોરે ચૂંટણી સતાધિકારી તરીકે નિયુક્ત થયેલા સિટી-2 પ્રાંત અધિકારી સંદીપકુમાર વર્માએ જાહેર કર્યું કે તેઓને તા.17ના રોજ હાઇકોર્ટ સંબંધિત જરૂરી કામ અર્થે જવાનું હોય, આ દિવસે તેઓ હાજર રહી શકે તેમ ન હોય જેથી તા.17ને બદલે ચૂંટણી 2 મેના રોજ યોજવામાં આવશે.મળતી માહિતી અનુસાર 17મીએ ચૂંટણી યોજવા માટે પૂર્વ ધારાસભ્ય અને ડિરેક્ટર અરવિંદ રૈયાણીએ રજુઆત કરી હતી કે તેઓ આ દિવસે બહાર હોય, બીજી કોઈ તારીખ પસંદ કરવામાં આવે. જો કે ચૂંટણી 17મીએ જ યોજવાનું જાહેર થયું હતું. હવે ફરી ચૂંટણી 17મીએ ન યોજી 2 મેના રોજ યોજવાનું નક્કી કરવામાં આવતા અરવિંદ રૈયાણીએ આભારની લાગણી પ્રગટ કરી હરખ વ્યક્ત કર્યો છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ લોધિકા સંઘમાં છેલ્લા અઢી વર્ષથી નરેન્દ્રસિંહ જાડેજા ચેરમેન અને સંજય અમરોલિયા વાઇસ ચેરમેન છે. ભાજપની સંપૂર્ણ બહુમતી છે અઢી વર્ષ પહેલાના અને અત્યારના આંતરિક રાજકીય સમીકરણોમાં ધરખમ ફેરફાર હોવાનું ભાજપના સૂત્રો જણાવી રહ્યા છે. ગત વખતના ચેરમેનની રેસમાં રહેલા નીતિન ઢાંકેચા પણ જોરમાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
નોંધનીય છે કે નરેન્દ્રસિંહ જાડેજાએ ચેરમેન તરીકે સંસ્થાની કાર અને મોબાઈલ સહિતમાં લાભો ન લઈને સંસ્થાના દર મહિને દોઢથી બે લાખ રૂપિયા બચાવીને અલગ ચીલો ચાતરી ભારે લોકચાહના મેળવી હતી.