ઉમેશ કોમ્પ્લેકસમાં તસ્કરોના તરખાટ: ઘટના સીસીટીવીમાં કેદ
શહેરમાં તસ્કરો પોલીસ પેટ્રોલિંગના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવી રહ્યા હોય તેમ અવાર નવાર ચોરીની અનેક ઘટનાઓ પોલીસ દફતરે નોંધાઇ છે ત્યારે વધુ એક ઘટનામાં સિવિલ હોસ્પિટલ ચોક નજીક આવેલા ઉમેશ કોમ્પ્લેક્ષમાં એડવોકેટ સમીર ખીરાની ઓફિસમાં તસ્કરોએ ત્રાટકી રૂ.1.50 લાખની રોકડની ચોરી થયાની અને અન્ય વકીલની ઓફીસના તાળા તૂટવાની ઘટના પ્રકાશમાં આવતા ખળભળાટ મચી ગયો છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ડિસ્ટ્રીકટ કોર્ટના એપીપી એડવોકેટ સમીર ખીરાની સિવિલ હોસ્પિટલ ચોક નજીક આવેલા ઉમેશ કોમ્પલેક્ષના બીજા માળે રહેલી ખાનગી ઓફિસને તસ્કરોએ નિશાન બનાવી હોય તેમ મોડી રાત્રે તસ્કરોએ ઓફિસના તાળા તોડી એડવોકેટ સમીર ખીરાએ ઓફિસમાં રાખેલા રૂ.1.50 લાખની તસ્કરી થયાની અને અન્ય એક એડવોકેટની ઓફિસના તાળાં તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી છે.
આ ઘટના અંગે સરકારી વકીલ સમીર ખીરાની પ્રાથમિક પૂછપરછમાં એડવોકેટ સમીર ખીરા લાયન્સ ક્લબના હોદેદારો સાથે ગતરાત્રે જૂનાગઢ દર્શન કરવા ગયા હતા તે દરમિયાન મોડી રાત્રે તેમની ઓફિસમાં તસ્કરોએ તાળા તોડી રૂ.1.50 લાખની ચોરી કરી તસ્કરો નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના અંગે પોલીસે સરકારી વકીલ એડવોકેટ વકીલ સમીર ખીરાની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી સીસીટીવી ફૂટેજના આધારે ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા છે.