સમર્પિત આયોગની બેઠકનો બીજો દિવસ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને બોટાદ જિલ્લામાંથી પણ 174 રજૂઆતો
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ઓબીસી સમાજને અનામત અંગે સમર્પિત આયોગ દ્વારા આજે સવારે સૌરાષ્ટ્ર-કચ્છના વધુ ચાર જિલ્લાની સુનાવણી યોજાઈ હતી. જ્યારે રાજકોટ જિલ્લા તથા રાજકોટ મહાનગર પાલિકા માટેની સુનાવણી આજે બપોરે 2.30 વાગ્યાથી યોજાનાર છે. જેના માટે રાજકોટ જિલ્લામાંથી આશરે 781 રજૂઆતો આવેલી છે.
સમર્પિત આયોગના ચેરમેન અને હાઇકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ કલ્પેશ ઝવેરીની અધ્યક્ષતામાં તથા આયોગના સભ્યો ઈશ્વરભાઈ પટેલ, કે. એસ. પ્રજાપતિ તથા વી.બી ઠાકોરની ઉપસ્થિતિમાં, રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.આયોગ સમક્ષ કચ્છ જિલ્લામાંથી 143, દેવભૂમિ દ્વારકા જિલ્લામાંથી 13 જેટલી રજૂઆતો, પોરબંદર જિલ્લામાંથી પાંચ જ્યારે બોટાદ જિલ્લામાંથી 13 જેટલી રજૂઆતો આવી હતી.
ઓબીસી સમાજના પ્રતિનિધિઓએ એવી રજૂઆતો કરી હતી કે, ગ્રામ પંચાયત, તાલુકા તથા જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગર પાલિકામાં ઓબીસી સમાજની અનામત વધવી જોઈએ. ઉપરાંત સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સમિતિઓ, પ્રમુખ તેમજ ચેરમેનના હોદ્દામાં પણ અનામત આપવી જોઈએ. આયોગે આ રજૂઆતો ધીરજપૂર્વક સાંભળી અને સ્વીકારી હતી.આ સુનાવણી દરમિયાન રાજકોટના નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કર, જિલ્લા આયોજન અધિકારી નીતિન ટોપરાણી, વિવિધ જિલ્લાના અધિક કલેક્ટર , પ્રાંત અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.